VIJAY K. SAKARIYA
HELLO FRIENDS. I HOPE YOU WILL USE THIS BLOG REGULARLY. THANKS...
Saturday, March 9, 2024
ઉતાવળો નિર્ણય પસ્તાવું
Friday, February 23, 2024
પ્રતિજ્ઞાપત્રની પાંચમી લીટી
Saturday, February 17, 2024
બધા મારી જેવા ભાગ્યશાળી નથી હોતાં.. બધાને મેરી ડી કોસ્ટા કે અનુરાધા ના મળે
બધા મારી જેવા ભાગ્યશાળી નથી હોતાં.. બધાને મેરી ડી કોસ્ટા કે અનુરાધા ના મળે
“જો બેટા આ નખી તળાવ” આકાશે પોતાના દીકરા આયુષને કહ્યું. આયુષ પોતાની મમ્મી અવની નો હાથ પકડીને
ચાલતો હતો. ચારે બાજુ જોઈ રહ્યો હતો. ઊંચા ઊંચા પહાડ, હરિયાળી, વાતાવરણમાં એકદમ
ઠંડક એને નવાઈ લાગતી હતી. એકદમ એસી જેવું વાતાવરણ હતું.
“મોમ અહિયાં કેવી ઠંડી છે,અને આપણે ત્યાં તો કેટલી ગરમી પડે નહિ પપ્પા?” આયુષ અચરજ પૂર્વક બોલ્યો.
“હા બેટા એટલે જ તો તને અહી ભણવા મુકવાનો છે,તને અહી ખુબ મજા પડશે, એયને કેવું મસ્ત વાતાવરણ છે અહિયાં બેટા? ” આકાશે પોતાના દીકરાની આંગળી પકડીને કહ્યું. નાનો આયુષ મમ્મી અને પાપાની આંગળી
પકડીને બેયની વચ્ચે હરખભેર ચાલતો હતો.
“બેટા ચાલ આપણે બોટમાં બેસીએ , તને મજા પડશે ને પછી તો તને અહી રોજ બોટિંગ કરવા મળશે…!! મારો ડાયો દીકો કેટલો ભાગ્યશાળી છે” આકાશે આટલું બોલીને આયુષને ઊંચકી લીધો. નખી લેક પર તેઓ
બોટમાં ગોઠવાયા. ધીમે ધીમે બોટ ચાલવા લાગી. આયુષને આકાશ બધું બતાવતો હતો.
“જો બેટા આ બાજુ ભારતમાતાનું મંદિર છે, ત્યાં ઉંચે જે દેખાયને ત્યાં ગુરુશિખર છે. ત્યાં સૈનિકો રહે
છે. આ બાજુ જો પેલો રોક છેને ઉંચો ઉંચો એનું નામ છે ટેડ રોક. આપણે ત્યાં જઈશું અને પેલી સામેની ટેકરી દેખાય
છેને ત્યાં છે સનસેટ પોઈન્ટ અને તેની નીચે બરાબર આવે હનીમુન પોઈન્ટ હું અને તારી
મમ્મા લગ્ન કરીને અહી આવેલા અને હનીમુન પોઈન્ટ પર ફોટા પાડેલા, પૂછ તારી મમ્માને!!”
અવનીનું મોઢું શરમથી લાલછોળ થઇ ગયું. એની આંખો
જાણે કે આકાશને કહેતી હોય કે શુંય તમે બાળક આગળ આવી વાત કરવાની?. અવનીની આંખોમાં એક મીઠો ઠપકો હતો.
“મમ્મા પપ્પા સાચું કહે છે?” આયુષે અવનીની આંખોમાં જોઇને કહ્યું. જવાબમાં અવની હસી. એને એ સમય યાદ આવી ગયો
જયારે આજથી દસ વરસ પહેલા માઉન્ટ આબુ આવી હતી આકાશ સાથે!!! ઉનાળામાં એમનાં બેયના
લગ્ન થયાં હતાં. અને લગ્ન પછી બને આવ્યા હતાં. અહી અને એ પણ પુરા સાત દિવસ!!!! એ
અચલ ગઢ , એ સનસેટ પોઈન્ટ , એ દેલવાડાનું કોતરકામ ઘણું બધું જોયું હતું આકાશના સથવારે
!!!!!
આકાશ અને અવની બને અમદાવાદની કોર્પોરેશનની શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા
હતાં . શરૂઆતમાં બને વિદ્યાસહાયક તરીકે લાગ્યા હતાં, પણ ફૂલ પગારમાં આવ્યા પછી એમની જિંદગી ફૂલ સ્પીડમાં ચાલવા લાગી!!! આમતો તેઓ
જ્યારથી પીટીસી કરતાં હતાં ત્યારથીજ સંબંધ નક્કી થઇ ગયો હતો .પણ જેવી નોકરી
મળીકે તરતજ એમનાં લગ્ન કરી નાંખવામાં
આવ્યાં. બનેનું મેરીટ ખુબ જ સારું એટલે કોર્પોરેશનમાં નોકરી મળી ગઈ અને એ પણ એક જ
શાળામાં અને વર્ગખંડ પણ બાજુ બાજુમાં.. ખરેખર તેઓ ભાગ્યશાળી હતાં!! લગ્નના પાંચ
વરસ બાદ આ એક માત્ર સંતાન આયુષ નો જન્મ થયો. બંને ખુશ!!! ખુબ જ ખુશ !!! એવું
કહેવાય છે કે જયારે તમારે ત્યાં પ્રથમ સંતાન જન્મે ને પછી પતિ અને પત્ની
વચ્ચે એક પ્લેટોનિક લવ નો જન્મ થાય છે, એક દિવ્ય પ્રેમની અનુભૂતિ!!! અને આ બાબત આકાશ અને અવનીના કિસ્સામાં એકદમ સાચી પડી હતી. બનેનું એકમાત્ર લક્ષ્ય હવે
પોતાના બાળકનો કેમ શ્રેષ્ઠ ઉછેર થાય એ બાબત તરફ જ હતું . અને આમેય શિક્ષકો પોતાના
સંતાનોના ઉછેર અને શિક્ષણ માટે બીજા કર્મચારીઓ કરતાં વધારે ચિંતાતુર હોય છે!!.
જ્યારે તેઓ હનીમુન માટે માઉન્ટ આબુ આવ્યા ત્યારે નખી લેક પાછે કતારબંધ બાળકો
નીકળ્યા આકાશે જોયું અને અવનીને કહ્યું કે
આ બાળકો અહીની કોઈ ઇન્ટરનેશનલ શાળાનાં જ હશે. અહીં ઘણી બધી શાળાઓ આવેલી છે. અને
પછી તપાસ કરી ને તેઓ એ શાળા પણ જોઈ આવ્યા
અને આકાશ અને અવનીએ નક્કી પણ કરી નાંખ્યું હતું કે બસ જે બાળક આવશે એ આ
શાળામાં જ ભણશે!! શાળા વિશેની તમામ માહિતી
તેઓ હનીમુનના સમયગાળા દરમ્યાન જ લઇ લીધી. જે બાળક પાંચ વરસ પછી પૃથ્વી પર
અવતરવાનું હતું તેની માટે અત્યારથી જ શાળા નક્કી થઇ ચુકી હતી!!! આવું ખરેખર
ભારતમાં જ શક્ય બને !!! અને આજે તેઓ
આયુષને લઈને ફાઈનલ કરવા આવ્યા હતાં. હજુ તેઓએ આયુષને શાળા બતાવી નહોતી કે તારે
અહીં ભણવાનું છે. હજુ તો એ આબુના વાતાવરણ
થી એને પ્રભાવિત કરી રહ્યા હતાં.. પછી એને શાળા બતાવવાની હતી.. એનાં ફાયદા અને… આમેય તેઓ અત્યારે પોતાના બાળક પાસે એકમ કઢાવી રહ્યા હતાં, વિષયનિરૂપણ હવે પછી કરવાનું હતું. આયુષને લઈને તેઓ હવે
શાળામાં જઈ રહ્યા હતાં. શાળામાં આયુષનો ઈન્ટરવ્યું લેવાનો હતો. એ માટે છેલ્લાં બે
માસથી પુર ઝડપે તૈયારીઓ ચાલતી હતી. નાના આયુષને
રોજ પ્રશ્નો પૂછીને એનાં જવાબો ચેક કરવામાં આવતા હતાં. એની કચાશ તરફ ધ્યાન
દોરીને સતત સુધારો થાય એવા પ્રયત્નો થઇ રહ્યા હતાં.આમ તો આયુષને તેઓએ અમદાવાદની
સારામાં સારી નર્સરીમાં પણ મૂકી જોયેલો. પણ મન ના માન્યું. ઘરે પણ તેઓ સતત આયુષને
ભણાવ્યા જ કરતા. કોર્પોરેશનની શાળામાં તો આયુષને મુકવાનો ખ્યાલ તો એણે
કદી સપનામાં પણ નહોતો કર્યો. જોકે ક્યારેક
અવની જોડે આયુષ આવતો શાળામાં તો પણ સતત એનું ધ્યાન રાખવામાં આવતું. આકાશ અને અવની
સારી પેઠે સમજતા કે કોર્પોરેશનની શાળાઓ નોકરી કરવા માટે અને પગાર માટે શ્રેષ્ઠ
બાકી પોતાના સંતાનો ભણાવવા માટે તો કોઈ હિલ સ્ટેશન પર આવેલી ભપકાદાર શાળા જ સારી.
આવી કોર્પોરેશન ની શાળામાં તો બધીજ જ્ઞાતિના બાળકો સાથે આપણુ બાળક ના શોભે એવી એક
પ્રકારની ગ્રંથી પણ મનમાં ખરી. અને સહુથી મોટી પેલી ખતરનાક ગ્રંથી કે આપણા છોકરા
આપણી પાસે થોડા શીખે…!!!
એક ભવ્ય કેમ્પસમાં તેઓ દાખલ થયાં. આયષ તો માનવા તૈયાર જ નહોતો કે આવડી મોટી
શાળા હોય!!! એને તો મજા પડી ગઈ. શાળામાં બીજી બધી વસ્તુ ઓ જોઈ , સહ અભ્યાસિક પ્રવૃતિઓ, રમતનું મેદાન , હોસ્ટેલ વિવિધ પ્રકારના
બગીચા.. ટૂંક માં શાળા એક મહેલ સમાન હતી. પણ આચાર્યશ્રી આજે બહાર ગયાં હોવાથી કાલે
એડમીશનનું ફાઈનલ થશે એમ જાણવા મળ્યું. કાઈ વાંધો નહિ કાલે તો કાલે એડમીશન તો મળશે
જ ને !!! પોતાનું એક સપનું સાકાર થશે એ જાણીને આકાશ અને અવની ખુશ હતાં!!!
શાળાની બહાર એક મોટું ચર્ચ હતું અને બાજુમાંજ કબરો આવેલી હતી ત્યાં ઘણાં વ્રુક્ષો હતાં. ત્યાં એક બાંકડા પર તેઓ
બેઠા સામે એક કબર આવેલી હતી તેના પર લખેલું હતું. “ મીસીસ મેરી ડી કોસ્ટા ૧૯૪૦ -૨૦૦૦” અચાનક ત્યાં એક ૩૦ વરસનો યુવાન આવ્યો
હાથમાં થોડા ફૂલો હતાં કબરની સામે ફૂલ મુક્યા આંખો મીંચીને પ્રાર્થના કરી. યુવાનનો
ચહેરા પર થોડી ગમગીની હતી. આંખો ભીની થઇ રહી હતી. દસેક મિનીટ બાદ તે યુવાન આવીને
સામેના બાંકડા પર બેઠો. આકાશ અને અવની આ યુવાનને જોઈ રહ્યા. આયુષ સામે જોઇને પેલો
યુવાન બોલ્યો.
“શું નામ છે તારું બેટા??”
“
આયુષ આકાશકુમાર પટેલ” આયુષે જવાબ આપ્યો.
આમેય ઘણાં દિવસથી ઈન્ટરવ્યુંની પ્રેકટીશ તો ચાલતી હતીને એટલે ફટાફટ જવાબ આપ્યો.
“શું આ કબર તમારી માતાની છે??” આકાશે કહ્યું.
“ના હું જયારે આ શાળામાં ભણવા બેઠોને ત્યારથી મને સાચવતા એ
બેનની છે, હું આ બાજુની શાળામાં જ ભણેલો છું. બાય ધ વે મારું નામ વિકાસ પટેલ. યુવાને નામ
આપ્યુ.
“
સરસ!! કેવી છે આ શાળા હું મારાં બાળકનું એડમીશન
લેવા આવ્યો છું, પણ કાલે એડમીશન મળશે, આમ તો અગાઉ મારે
ફોન પર વાત થઇ જ ગઈ છે ફક્ત ફોર્માલીટીઝ બાકી છે. “ આકાશે પૂછ્યું
“ખુબ જ સરસ છે હું ધોરણ ૧ થી ૧૨ સુધી અહીંજ ભણ્યો અને હાલ
અમદાવાદમાં એક કંપનીનો મેનેજર છું. તમે બને શું કરો છો.?
“અમે બંને શિક્ષકો છીએ” અવનીએ જવાબ આપ્યો આયુષ તો ભોળપણથી આ વાતો સાંભળી રહ્યો હતો.
“શું” ? તમે બને સાથે રહો
છો ? કે પછી અલગ અલગ?? ” વિકાસના આ પ્રશ્ન આકાશ ચોંકી ઉઠ્યો.
“મિસ્ટર તમે કેવી વાત કરો છો, અમે એક બીજાને પુરતો પ્રેમ કરીએ છીએ , અને અમે સપનામાં પણ જુદા પડવાનું વિચાર્યું નથી અને તમે અમારા વિષે આમ ધરી જ
કેમ શકો? આકાશનો ચહેરો ગુસ્સાથી
તમતમી ઉઠયો…
“સોરી મિસ્ટર આકાશ પટેલ મારો એવો કોઈ જ ઈરાદો નહોતો. તમારી
લાગણી દુભવવાનો પણ કોઈ જ ઈરાદો નહોતો !! પણ
મને નવાઈ લાગી કે તમે બંને ગુરુજનો પોતાના પાંચ વરસના એક કુમળા ફૂલને અહી
હોસ્ટેલમાં ભણવા મુકો છો.. તમે કહો છો તેમ તમે એક બીજાને ખુબ જ પ્રેમ કરો છો તો એ
પ્રેમની વચ્ચે આ બાળકનો સમાવેશ થઇ શકે એટલી જગ્યા છે કે નહિ?? ” વિકાસે પોતાની વાત અટકાવી. ગળું સાફ કર્યું અને પછી ફરીથી
બોલ્યો.
“
માફ કરજો ગુરુજનો , મને શિક્ષણમાં બહુ
લાંબી ખબર ના પડે, મારો એ વિષય પણ નહિ પણ મને એટલી ખબર
તો પડે કે શિક્ષકોને સમજાવવા એ દુનિયાની સૌથી અઘરી બાબત છે..!! શિક્ષકો અમારા જેવા
લાખો વિદ્યાર્થીને સમજાવી શકે, આગળ વધારી શકે, જીવન સુધારી શકે. પણ એજ શિક્ષક્ને અમુક બાબતમાં આપણે સમજાવીએ તો એ લગભગ સમજતા
નથી. બાય ધ વે હું મૂળ મુદ્દા પર આવું
છું. હું એક ટોચની કંપનીમાં મેનેજર છું. મારો વાર્ષિક પગાર ૨૪ લાખ છે. ધારું તો
હું અમદાવાદ માં રહી શકું પરંતુ ના હું અમદાવાદની બાજુના ગામડામાં રહું છું. મારાં
બે સંતાનો એની મમ્મી સાથે જ ભણે છે અને સરકારી શાળામાં જ ભણે છે અને મારી પત્ની
અનુરાધા શિક્ષિકા છે. તમને કદાચ નવાઈ લાગશે ને અને લાગવી જ જોઈએને એક ઇન્ટરનેશનલ
સ્કુલમાં પહેલેથી ભણેલાં અને એક કંપનીના મેનેજરે એનાં બાળકોને સરકારી શાળામાં શા
માટે મુક્યા!!. એ વાત જાણવા માટે તમારે મારી વાત સાંભળવી પડે મિસ્ટર આકાશ પટેલ, સાંભળવી છે વાત તમારે મીસીસ પટેલ??” બોલતા બોલતા વિકાસ પટેલનો અવાજ ગળગળો બની ગયો. વાતાવરણમાં એક જાતની ગમગીની પ્રસરી
ગઈ. અવની અને આકાશ ફાટી આંખે આ બધું સાંભળતાં રહ્યા. આયુષ પણ ગંભીર થઇ ગયો. ઘણીવાર
મે અનુભવ્યું છે નાનું બાળક પરિસ્થિતિનો ક્યાસ બહુ જલ્દી કાઢી લેતું હોય છે. એક
આંધી પહેલાની શાંતિ હોય તેવું લાગ્યું.
“
સાંભળવી છે અમારે વાત” અવનીએ કહ્યું, એણે આયુષને પોતાના ખોળામાં લીધો. વિકાસ ઉભો થયો, આજુબાજુ બે ડગલા ચાલ્યો. ખીસ્સામાંથી સિગારેટ કાઢીને જલ્દી જલ્દી ત્રણ ચાર કશ
મારી ને આયુષના માથે હાથ ફેરવીને
કહ્યું..!!
“બસ હું પણ આવડો જ હતોને મારાં મમ્મી પાપા મને અહી લઇ આવ્યા…મને ધોરણ ૧ માં દાખલ કર્યો. મને એ વખતે તો કોઈ સમજ નહોતી પણ
પાછળથી ખબર પડેલી કે મારા મમ્મી પપ્પાને ભડતું નહિ. બહુ નાની એવી વયે મને આ સમજ
આવી ગયેલી. અને આમેય સાહેબ જે ઘરમાં માં મમ્મી અને પપ્પા સતત ઝગડતાં હોયને તેના
સંતાનો બહુ નાની ઉમરે સમજદાર બની જતાં હોય છે.
સામાન્ય બાળકોની સરખામણીએ અમારામાં સમજણ વહેલા આવી જાય ” હવે વિકાસે સિગારેટનો ઘા કરી દીધો અને પાછો બાંકડા પર બેઠો
વાતને આગળ વધારી.
“
મારાં પિતા મહેસુલખાતાનાં એક
મોટા અધિકારી અને મારી મમ્મી સચિવાલયમાં સારી એવી પોસ્ટ પર. શરૂઆતમાં મને અહી
રડવું આવતું અને આ તમે કબર જુઓ છો ને એ મેરી ડી કોસ્ટાએ મને બચપણનો પ્યાર આપ્યો
કેજે મને મારાં માતાપિતા ના આપી શક્યા.
મેરી ને અમે બધાં બાળકો મધર મેરી કહેતા. એ અમને ફરવા લઇ જાય!! હસાવે , ગમ્મત કરે પણ તોય શરૂઆતમાં અમને ઘર બહુ સાંભરતું. મારાં સદભાગ્ય એટલા સારા કે
મેરી મને બધા કરતા વિશેષ સાચવતાં. શરૂઆતમાં દર મહિનાના છેલ્લાં રવિવારે મારાં
મમ્મી પાપા મને મળવા આવતાં. દરેક બાળક આ દિવસે ખુબ જ આનંદમાં હોય.અમને પૈસા આપે
રમકડાં આપે પણ બીજાનાં મમ્મી પાપા કરતાં મારાં મમ્મી પાપા થોડા અલગ વર્તાવ કરતાં.
તેઓ એકબીજા સાથે જાણે ઓળખતા પણ ના હોય તેઓ વ્યવહાર કરતાં. સાંજે પાંચ વાગે તેઓ
જતાં ત્યારે મધર મેરીને અલગ અલગ રીતે
મળતાં અનેમારી ભલામણ કરતાં. આવું છ માસ ચાલ્યું. પછી અચાનક એક મહિનો મારી મમ્મી
આવે તો એક વખત મારાં પપ્પા આવે. મેં મધરને એક દિવસ પૂછ્યું કે આવું કેમ થાય છે?? મધર કશું બોલ્યાં
નહિ બસ મને એની છાતીએ ચાંપીને વહાલ કરતા રહ્યા ત્યારે લગભગ હું બીજા ધોરણમાં હતો.
મને પાછળથી ખબર પડેલી કે મારાં માતા પિતાએ એ ડાઈવોર્સ લઇ લીધા છે. સવાલ હવે મારો
હતો કે મારું કોણ?કોર્ટ બહાર એવું સમાધાન
થયેલું કે જ્યાં સુધી હું અઢાર વરસનો ના થાવ ત્યાં સુધી એક એક મહિનો વારાફરતી એ
લોકો મારી ખબર કાઢવા આવે. અને એક નક્કી થયેલ રકમ મારાં ખાતામાં જમા કરાવે. હું એક
નો એક દીકરો એમના અહંને કારણે એક એક મહિના
માં વહેચાઈ ગયો હતો.!!
આ બધી વાતો જ્યારે હું પાંચમાં ધોરણમાં આવ્યોને ત્યારે મધરે મને કરેલી.
દિવાળીનું વેકેશન હું પાપાને ત્યાં ગાળું અને ઉનાળાનું મમ્મીને ત્યાં!!. બને અલગ અલગ રહેતા. પણ પછી
જવાનું જ બંધ થયું. કારણકે મારાં પાપા એ અને મમ્મી એ બીજા લગ્ન કરી લીધા હતાં અને
મેરી સાથે કહેવાડાવ્યું કે વિકાસ હવે અહી ના આવે. એને કોઈ સમર કેમ્પમાં કે દિવાળી
પર યોજાતી કોઈ ટ્રેકિંગ શિબિરમાં ગોઠવી દેજો અને પૈસા તમને મળી જાશે. મારાં મમ્મી
પાપા મને પુષ્કળ પૈસા મોકલાવતા પણ હું
વાપરતો જ નહિ ભગવાને આપેલું બચપણ જ હું ના વાપરી શક્યો એ પૈસા શું વાપરી
શકે??. હું મધરની સાથે જ રહેતો. મધર આમતો મૂળ કેરળના
અને કાલીકટ શહેરમાં રહે. વરસો પહેલા અહી
એમના પતિ સાથે આવેલા અહી આવ્યા બાદ બે વરસમાં એમના પતિનું અવસાન થયેલું ને પછી
એમને આ શાળા વાળા એ લેડી રેકટર તરીકે રાખી લીધેલા. એ કાલીકટ લગભગ જતાં નહિ પણ મારો
સવાલ થયો કે વેકેશનમાં કયા જવું?? એટલે એ મને વેકેશનમાં ત્યાં લઇ ગયાં. હું એમને ત્યાં બેય
વેકેશનમાં જતો. એયને દરીયાકીનારો, નાળીયેરી મને
ત્યાં ખુબ જ મજા પડતી. મધરને કોઈ સંતાન નહોતું એ મને દીકરાની જેમ જ રાખતા. ધીમે
ધીમે મમ્મી પાપા ભૂલાવા લાગ્યા. પછી તો એ
આવતા પણ બંધ થયાં ફોન પર ખબર પૂછી લે. અને મારું ધ્યાન અભ્યાસમાં લાગ્યું. જ્યારે
હું દસમાં ધોરણમાં હતો ત્યારે અચાનક એક વખત મધર મેરી મને ક્લાસરૂમમાં થી બોલાવી
ગયાં અને અહીં જ લાવ્યા આ જ બાંકડા પર હું બેઠો અને તમે જ્યાં બેઠા છો ત્યાં મારી
મમ્મી બેઠી હતી એની સાથે કોઈ પુરુષ હતો. મધરે ઓળખાણ કરાવી કે આ તારા પિતાજી છે
એમને પગે લાગ. તારા મમ્મી એમની સાથે કાયમ માટે કેનેડા જઈ રહ્યા છે.તને છેલ્લી વાર
મળવા આવ્યા છે દીકરા. તને આ પૈસા લાવ્યા છે એકી સાથે. પણ માનશો સાહબે મને કોઈ જ લાગણી ના થઇ. મેં ઘણું મન કર્યું કે
હું રડું. મારી માતાને ભેટીને રડું પણ સાહેબ
ખલ્લાસ હું રડી પણ ના શક્યો અને ઉભો પણ ના થયો!!. કોઈ એવી લાગણી મારાંમાં
જન્મી જ નહિ. મારી મા રડવા લાગી એ ઉભી થઇ મારી પાસે આવી મને બાથમાં લેવા પણ હું
દુર ખસ્યો ને જીવનમાં મને પેલી વાર જ મધર
મેરીએ એક થપ્પડ મારી સાહેબ મેં જીવનમાં એક
જ વખત મેરીની થપ્પડ ખાધી.” અને વિકાસ રોઈ પડ્યો નાના છોકરાની જેમ રોઈ પડ્યો. આકાશે
એમની સાથે લાવેલી પાણીની બોટલમાંથી પાણી
પાયું એની પીઠ પર હાથ પસવાર્યો. અવનીની આંખમાં પણ આંસુ હતાં. આયુષ આ બધું જોઈ રહ્યો હતો.
થોડીક વારમાં વિકાસ સ્વસ્થ થયો અને આગળ વાત ચલાવી.
“મારી મા ચાલી ગઈ. હું પણ ત્યાંથી દોડ્યો અને અગાશી પર ગયો
ત્યાં દીવાલ સાથે માથું અથડાયું.
માથામાંથી લોહી નીકળ્યું પણ આંખમાંથી આંસુ ના નીકળ્યું. એક બાજુ મારી માતાને
છેલ્લી વાર ભેટી ના શક્યો એનું દુખ પણ લાગણી જ ના જન્મી એમાં હું શું કરું?? . મધર પાછળ પાછળ
આવ્યા મને એની રૂમ પર લઇ ગયા પાટો બાંધ્યો. મધરની આંખમાં આંસુ હતાં. મેં એની
આંખમાં પેલી વાર આંસુ જોયા અને હું એણે ભેટીને મોકળા મને રોયો.મધર પણ રોતા રહ્યા.
મને મધર ક્યારેય મારતા નહિ બીજા છોકરા તોફાન કરે તો મધર સોટી લઈને જતાં અને આમેય
સાહેબ હું ક્યારેય તોફાન કરતો નહિ ને અને સાહેબ તોફાન તો એ છોકરા કરે કે જે એની
માની ગોદમાં અને પપ્પાની પીઠ પર મોટા થયા હોય !! મને એ રાતે સખત તાવ આવ્યો. મધરે
આખી રાત મને પોતા મુક્યો. મારું આખું શરીર ધ્રુજે બીજે દિવસે મને એ કારમાં લઈને
સિરોહી લઇ ગયાં એક મોટા દવાખાને. મને ત્યાં ત્રણ દિવસ રાખ્યો. મધરે આ ત્રણ દિવસ
માં ભાગ્યેજ કશું ખાધું હોય તો બસમારી પાસે બેસી રહ્યા . હું સ્વસ્થ થયો પાછો મને
હોસ્ટેલમાં લાવ્યા સાંજે મધર ચર્ચમાં મીણબતી સળગાવીને પ્રાર્થના કરતાં હતાં.
બારમાં ધોરણમાં હું સેન્ટર ફર્સ્ટ આવ્યો. અને દિલ્હીની કિરોડીમલ કોલેજમાં મને
એડમીશન મળી ગયું.મધર મને મુકવા આવ્યા દિલ્હી મને કોલેજ ની હોસ્ટેલમાં એડમીશન મળી
ગયું હતું. છેલ્લે મધરે મને એક પાસબુક આપી એમાં ખુબજ મોટી રકમ હતી. મારાં મમ્મી
પપ્પા જે પૈસા આપતા એમાંથી બચેલી રકમ હતી. મને પરાણે એ રકમ આપી. હું કોમર્સમાં
દાખલ થયો. છેલ્લાં વરસ ના પરિણામના આગલાં દિવસે મને અમદાવાદ થી ફોન આવ્યો એક
સ્ત્રીનો અવાજ હતો કોણ વિકાસ બોલ છો આલે તારા બાપ સાથે વાત કર સાલો મરવાં પડ્યો
તોય મારો વિકાસ મારો વિકાસ કરે છે અને ફોનનું રીસીવર માંથી મારાં પપ્પાનો અવાજ
બેટા વિકાસ એક વાર મળી જ એક વાર મળી જા એક વાર મળી જા.. અને ત્યાં કોઈ એ રીસીવર
ખેંચ્યું હોય એવો અવાજ આવ્યો. થોડીવાર પછી મધરનો ફોન આવ્યો. મને કીધું કે તારા
પાપા મરણ પથારીએ છે અહી ફોન આવ્યો છે તું અમદાવાદ જલ્દી પહોંચ. હું ગુજરાત મેઈલમાં
બેઠો પાપાને મળવા જતો હતો. મગજમાં તરંગો હતાં પણ લાગણી કેમેય કરીને થતી
નહોતી.અજમેર વટાવ્યું ત્યાં મોબાઈલમાં પાછો ફોન આવ્યો કે મેરી દાદર પરથી પડી ગયા
છે હોસ્પીટલમાં છે. હવે મારું મન ગૂંચવાયું અમદાવાદ જવું કે પછી માઉન્ટ આબુ જવું
અને પછી આબુ રોડ ઉતરી ગયો. વરસાદ વરસી રહ્યો હતો કોઈ ટેક્સી વાળો માઉન્ટ પર આવવા
તૈયાર નહોતો છેવટે એક બાઈકની પાછળ બેસીને હું અહી પહોંચ્યો ત્યારે જોયું તો મેરીને
કોફીનમાં હતાં, દફનવિધિ શરુ હતી. હું
રડ્યો સાહેબ ખુબ જ રડ્યો . મારે ત્રણ દિવસ આબુ રોકાવું પડ્યું. મેરી પોતાની તમામ
સંપતિ મને આપતા ગયાં હતાં. એતો મેરીનું વિલ જોયું ત્યારે મને ખબર પડી અને સંપતિમાં
તો બેન્કની રોકડ રકમ કાલીકટ વાળી થોડી જમીન અને ત્યાનું એક મકાન. આજે પણ વેકેશનમાં
હું અને અનુરાધા ફક્ત કાલીકટ જ જઈએ છીએ.” એટલામાં વિકાસનો મોબાઈલ રણક્યો, એ ઉભો થયો દુર ગયો અને ફોન પર લગભગ દસ મીનીટસ વાત કરી.વિકાસે વાતને આગળ વધારી.
અમદાવાદ પહોંચ્યો મારાં ઘરે જ્યાં પહેલા મારાં મમ્મી પાપા રહેતા હતાં. પછી
ફક્ત પાપા રહેતા હતાં, અને પછી જઈને ખબર
પડી કે હવે ફક્ત ત્યાં નવી મમ્મી જ રહે છે. પાપા તો મને ફોન આવ્યોને ત્યારે જ મારી
સાથે વાત કરતા કરતા જ ગુજરી ગયાં હતાં. ઘરે પહોંચ્યો મેં ઓળખાણ આપી ને નવી મમ્મી
તાડૂકી “અહી હવે શું છે? બાપ તો ગયો ગાજતો મારો વિકાસ મારો વિકાસ કરતો હવે તારે અહી
શું દાટ્યું છે, સંપતિમાં ભાગ જોતો છે.
વારસો જોતો છે, મેં ના પાડી અને આમેય
સાહેબ જેને નાનપણથી જ સ્નેહનો વારસો ના મળે એને સંપતિના વારસાની શી જરૂર. ઘરમાં
બીજા ત્રણ પુરુષો હતાં એ કોણ હતાં એ તો નથી ખબર પણ સાહેબ એ લોકોએ મને ઢોર માર
માર્યો.મને ઢસડીને દરવાજે લઇ ગયાં અને ત્યારે મારા કાનમાં મારી નવી મમ્મી શબ્દો
અથડાયા” કોણ જાણે કોનું લોહી હશે, એની માં જ ખરાબ સ્વભાવની હતી એટલે જ એના બાપે છુટા છેડા
લીધેલા જાને કોનું પાપ હશે હલકટ સાલો” સાહબે મારું મગજ સુન્ન થઇ ગયું . જીંદગીમાં મે બીજાનું શું ખરાબ કર્યું કે હું
પાપ થઇ ગયો, હું કઈ રીતે હલકટ !!!
સાહેબ હું રોડ પર ચાલતો ગયો બસ ચાલતો જ ગયો બસ મને એટલી ખબર છે કે સામેથી આવતા એક
ટ્રક સાથે અથડાયો અને મારી આંખો સામે અંધારા આવી ગયાં. ભાનમાં આવ્યો ત્યારે એક
હોસ્પીટલમાં હતો. મારી બાજુમાં એક યુવતી ઉભી હતી.એ અનુરાધા હતી. મને પાછળ થી આ બધી
ખબર પડી કે જેવી ટ્રકે ટક્કર મારી કે એની સ્કુટી લઈને પસાર થતી હતી અને જોયું અને
એ પછી હોસ્પીટલમાં લઇ ગઈ. દસમાં દિવસે મને ભાન આવેલુ. અને ડોકટર તેજેન્દ્ર શાહે
કહેલું કે ઊંડો આઘાત છે, સાચવીને વ્યવહાર
કરવો નહીતર આ વ્યક્તિ જીવશે તો ખરો પણ પાગલની પરાકાષ્ટાએ જીવશે અનુરાધા મને એનાં
ગામડે લઇ ગઈ બોપલ થી ૧૫ કિમી દુર એનું ગામ આવેલું. એનાં પિતા હેમજીભાઈ એ મારું
સાચવવાનું કામ ઉપાડી લીધેલું. હું એમની સાથે ખેતરે જાવ ફાવે એ કામ કરું. અનુરાધા
બાજુના જ ગામમાં નોકરી કરે. એ સાંજે આવે ત્યારે વાતો કરે. બરાબર આઠ મહિના પછી હું
સ્વસ્થ થયો . મેં જવાની રજા માંગી, મારે દિલ્હી જવું હતું મારે પરિણામ લેવું હતું. આગળનું વિચારવાનું હતું. જતી
વેળા અનુરાધા બોલી “એકલાં જવું જરૂરી છે, સાથે ના જઈ શકાય, જીવનમાં આપણો કોઈ ખ્યાલ
ના રાખે તો આપણે પણ એમ જ કરવું એ જ જીવન છે??? અનુરાધા પાસે આવી બોલી “પાપા ને મે પૂછી
લીધું છે હું દિલ્હી સાથે આવું છું. દિલ્હી જઈને મેં મારું પરિણામ લીધું સાહેબ
કોલેજમાં હું ત્રીજા નંબરે આવ્યો હતો. પ્રોફેસર દેવાદત ને મળ્યો. કહાની કીધી
અનુરાધાનો પરિચય કરાવ્યો. એમણે કીધું કે તું અમદાવાદ જ રહે તારે ત્યાં જોબ કરવી જ
હોય તો એક મેનેજરની જગ્યા પર ગોઠવી દઉં. હું બોલું એ પહેલા અનુરાધા એ હા પાડી દીધી
. મારાં વતી મારો નિર્ણય એણે લઇ લીધો કદાચ આને જ પ્રેમ કહેવાતો હશે. અમે અમદાવાદ
આવ્યા. હું નોકરી એ લાગ્યો. મે સાદાઈ થી લગ્ન કરી લીધા.
એકાદ વરસ બાદ અનુરાધા એ જોડિયા બાળકોનો જન્મ આપ્યો એક દીકરોને એક દીકરી
દીકરાનું નામ અનુ પાડ્યું અને દીકરીનું નામ રાધા... અનુ ને રાધા.. અત્યારે બેય
બીજા ધોરણ માં ભણે છે.. એમની મમ્મી સાથે..."વિકાસ હવે ઉભો થયો.. બોલ્યો..
"
સાહેબ બધા મારી જેવા ભાગ્યશાળી નથી હોતાં..
બધાને મેરી ડી કોસ્ટા કે અનુરાધા ના મળે.. જે સંતાન ને માતા પિતા પૂરતો પ્રેમ કે
હૂંફ ના આપી શકે એવા મા બાપે સંતાન પેદા જ કરવાનું ટાળવું જોઈએ.. બાળક 12 વર્ષ સુધી તો માતા પિતા પાસે જ હોવું જોઈએ તો જ તેમના માં
લાગણીનું વાવેતર શક્ય બનશે.. સાહેબ લાગણી વગરની સમજ નકામી અને સમજ વગર નો સમાજ
નકામો... આજે સમાજમાંથી લાગણી જતી રહી છે સાહેબ.. વાવેતર જ બંધ થઈ ગયું છે.. એક
દિવસ આનું વિનાશકારી પરિણામ આવશે.. વિજ્ઞાન કે ટેક્નોલોજી ગમે તેટલા આગળ વધે એ
માતાના પાલવ થી ક્યારેય મોટા ના હોઈ શકે... ક્યારેય નહીં.... આજે સમાજનું એલિવેશન
જ સારું છે બાકી એના પાયામાં લાગણીવિહીનતા નો લૂણો લાગ્યો છે..." વિકાસે
પૂરું કર્યું.. પાણી પીધું .. આકાશ અને અવની શોકમાં ગરકાવ હતા છેવટે આકાશ બોલ્યો..
"તમે પેલી ગાડીમાં જ આવ્યા ને અમને તમારી ગાડીમાં અમદાવાદ
સુધી લઈ જશો..
"હા સ્યોર. મને ગમ્યું." વિકાસે સ્મિત આપીને કહ્યું..
અને આબુના ઢોળાવ વાળા રસ્તા પર ગાડી ચાલી રહી હતી.. આગળ આકાશ અને વિકાસ પાછળ અવની
અને આયુષ આયુષ એનાં મમ્મી ના ખોળામાં હતો.. એને હવે મમ્મીના ખોળામાં જ એડમિશન મળી
ગયું હતું.. દુનિયામાં સહુથી ભાગ્યશાળી એ જ બાળક કે જેને ભણવા માટે મમ્મી નો ખોળો
મળે.. અને ફરી વાર એક વાત વિજ્ઞાન કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે માતાના પાલવ
કરતા એ ક્યારેય મોટી નહીં હોય....આભાર..
લેખક.. મુકેશ સોજિત્રા