હિતેશને આ શાળામાં શિક્ષક તરીકે આવ્યે હજુ 10 મહિના જ થયાં હતા. હિતેશનું ઘડતર બુનિયાદી શાળામાં થયું હતું,એટલે કંઈક કરી છૂટવાની તમન્ના. સવારે 10 વાગે વગર બોલાવ્યે આવી જાય. શાળાની સફાઈ થી માંડીને પ્રાર્થના સંમેલન સુધી તમામ બાબતોમાં સક્રિય ભાગીદારી, પ્રાર્થનામાં પણ વિવિધતા લાવવા લાગ્યો,રોજ ગુજરાતીના કાવ્ય પાઠને બદલે હિન્દી અને અંગ્રેજીની કવિતાઓ પણ ગાવા લાગ્યાં. સિનિયરોએ મોઢા બગાડ્યા કે "હજુ ગુજરાતી બરાબર નથી આવડતુને આ વળી હિંદીને અંગ્રેજીનાં દિકરા થયા છે" પ્રેમલાલ બોલ્યાં. 'આ નવું નવું આવ્યું છે ને એટલે ફદકે ચડ્યું છે." ક્યારેક જ પ્રાર્થના સભામાં આવતા જેઠાલાલ બોલ્યાં,પણ હિતેશ કોઈનું સાંભળતો જ નહિ, બે મહિનામાં બાળકોમાં હિતેશની સુવાસ ફેલાઈ ગઈ. એક દિવસ તો જેઠાલાલે હિતેશને મોઢા મોઢ કહી દીધું કે "
તું બહુ બળ કરમાં માપમાં રહે, આ ગામમાં કોઈ સુધારો નહિ થાય કે નહિ થાય બાળકોમાં આ ગામનાં છોકરાને નવી વસ્તુનાં રવાડે નો ચડાવાય, તું એમ ના માનતો કે તને જ બધું આવડે છે, અમે અહીંયા 20 વરસથી છોલાવીયે છીએ પણ કાંઈ ફેર ના પડ્યો અને તું વળી આજકાલનો આવેલો શિક્ષણ સુધારી દઈશ એમ???" હિતેશને કહેવાનું મન થયું કે સાહેબ છોલાવો તો લોહી જ નીકળે, ભણાવો તો આવડે, પણ ઘરનાં સંસ્કારોએ એને એવું કહેતા રોક્યો અને કશું પણ બોલ્યાં વગર ફક્ત એક હળવું સ્મિત કર્યું, અને જેઠાલાલની નસે નસ બળી ગઈ. એ તિરસ્કાર થી બોલ્યા
"સાવ ગાંડો છે સાલો દસ્ વાગ્યામાં નિશાળ ખોલે છે, પાંચ વાગ્યા પછી સાત વાગ્યા સુધી બાળકો સાથે રમે છે, ગમે એટલું બળ કર્ય દીકરા તને કોઈ ટોકરો નહિ બંધાવી દે"
ફરીથી એજ સ્મિત અને હિતેશ પોતાનાં વર્ગમાં, બાકીના શિક્ષકો કલાકે વર્ગમાં જાય તો જાય પણ હિતેશ એક મિનિટ પણ ના બગાડતો. હિતેશે જોયું કે ગામમાંથી જ્યારે કોઈ આવે ત્યારે જેઠાલાલ ધોડીને સામા જાય, અને પ્રેમલાલ પણ મોટેથી ભણાવવા મંડે, એમાંય સરપંચ અને એસએમસીના સભ્યો આવે ત્યારે જેઠાલાલ બધાને માવો ખવડાવે અને પ્રેમલાલ ચા પાય.અને લળી લળી ને દરવાજા સુધી મુકવા જાય. બાકીના સમયમાં આ બેય શિક્ષકો ઝડવાના છાંયે બેઠા હોય માવો ખાતાં ખાતાં નિશાળની અણી કાઢતાં હોય!!!!
એમાં આવ્યો ગુણોત્સવ અને આ વખતે મંત્રીશ્રી આવવાનાં હોય. આચાર્યશ્રી,પ્રેમલાલ,અને જેઠાલાલનું બીપી વધી ગયું. મીટીંગ ભરાણી. તમામ જવાબદારી હિતેશે વગર માંગ્યો લઇ લીધી. શાળાના મેદાનથી લઈને વર્ગ ખંડોની સફાઈ થઇ, ગયાં ગુણોત્સવ વખતે લખાયેલા સુવિચારોની જગ્યાએ નવા સુવિચારો લખાયા. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હિતેશે સરસ ગોઠવ્યો. ગુણોત્સવના દિવસે સવારના 6 વાગ્યાથી હિતેશ કામે વળગી ગયો. ગેટ ફૂલોથી શણગારાઈ ગયો. સ્ટેજ ગોઠવાયું.બ્લેક બોર્ડ લખાયું, તાલુકાના અધિકારી દસ વાગ્યે આવ્યા. માવા અને થમ્સઅપ થી સ્વાગત થયું. અને પધાર્યા મંત્રીશ્રી. અને આચાર્ય સાથે પ્રેમલાલ અને જેઠાલાલ ગોઠવાઈ ગયાં. લળી લળીને પ્રણામ થયાં. બપોરે ભોજન સમારંભ ગોઠવાયો. સાંજે નાનકડા એવા સાંસ્કૃતિક માં બધા આગળ ગોઠવાયા એક માત્ર હિતેશ છેલ્લે અદબ વાળીને ઉભો રહ્યો. જેઠાલાલે આપેલ માવો ખાતા ખાતા સરપંચે શાળાના અને જેઠાલાલ ના વખાણ કર્યા. એક માવાની કેટલી તાકાત હોય એ હિતેશ ને સમજાઈ ગયુ. પછી મંત્રીશ્રી બોલ્યાં... " શાળાને અભિનંદન બાળકોને અભિનંદન અને ખાસ કરીને પ્રેમ લાલ અને જેઠાલાલ ને અભિનંદન ખુબ ઉત્સાહી શિક્ષકો છે, આ ગામનું ઘરેણું છે,"
{ હિતેશ ને એ દ્રશ્ય યાદ આવી ગયું ભોજન વખતે પરાણે બરફીનું બટકું જેઠાલાલ મંત્રીશ્રી ના મુખમાં મુકતા હતા. અને વચ્ચે લાઈટ ગઈ ત્યારે પોતાના રૂમાલથી પ્રેમલાલ પવન નાંખતા હતાં.}
મંત્રીશ્રી એ આગળ ચલાવ્યું "અને વિશેષ આનંદ તો એ બાબતનો છે કે આ બેય શિક્ષકો બદલી કરાવવા માંગતા હતા પણ ગામના સરપંચે અને આગેવાનો એ કીધું કે તમે બદલી કરશો તો અમે ઉપવાસ કરીશું.સરપંચે જયારે મને આ વાત કરી ત્યારે હું દ્રવી ઉઠ્યો કે આવા શિક્ષકોને કારણે જ આપણો સમાજ ઉજળો છે. અને જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા એમાં પણ આ બે શિક્ષકોનો જ ફાળો છે એવું પણ મને જાણવા મળ્યું છે.." અને પછી મંત્રીશ્રીએ હિતેશ સામે આંગળી ચીંધીને કહ્યું કે " આ નવા આવેલા શિક્ષકો એ આમાંથી પ્રેરણા લેવી જોઈએ અને એમનાં રસ્તે રસ્તે ચાલવું જોઈએ,એમની પાસેથી શીખવું જોઈએ... ફરી ફરી વાર આ બે શિક્ષકોને ધન્યવાદ.... ધન્યવાદ.... ધન્યવાદ.... તાળીઓના ગડગડાટ વચ્ચે હિતેશની આંખમાં આવેલા આંસુની કોઈ જ કિંમત નહોતી, કોઈએ એની નોંધ પણ ના લીધી....
No comments:
Post a Comment