Saturday, December 15, 2018

ડેડી કૂલ... સંતાનો હોટ

મને જાણ નથી  કોની પોસ્ટ છે છતાં  સારી લાગી એટલે કોપી પેસ્ટ કરી અહીં મુકું છું...

*ડેડી કૂલ... સંતાનો હોટ*

''અમે જે આદતો સાથે પુત્ર કે પુત્રીને ઉછેર્યા છે તેવા અસંસ્કાર કે કુટેવો, આદતો ધરાવતી પુત્રવધુ કે જમાઈને નથી ઈચ્છતા. તેઓ પાસેથી તો શિસ્ત અને પરંપરાનો આગ્રહ રાખીએ છીએ.''

સંતાનોના મિત્ર નહીં માતા-પિતા બનીને જ રહો

બા ળ ઉછેર અને વાલીઓની સમસ્યા પર લેખિકા પ્રિયા ટંડન તેના આગવા વિચારો માટે જાણીતા છે. એક પિતાએ પ્રિયા ટંડનને કઇ રીતે સંતાનોનો ઉછેર કરવો તે અંગેનો આંખ ઉઘાડતો અનુભવ જણાવ્યો હતો.

પિતાએ પ્રિયા ટંડનને કહ્યું કે તમારા જેવા સામાજિક બાબતોનો સલાહકારો આજકાલ અજબ પ્રકારનો પ્રચાર કરી રહ્યા છે કે માતા-પિતાએ તો સંતાનો જોડે મિત્ર બનીને રહેવું જોઇએ પણ ખરેખર વર્તમાન સંતાનો પૈકી જૂજ એવા હોય છે કે જે તેમના માતા-પિતાનો મિત્રતાભર્યો વ્યવહાર હોય તો પણ વળતી આમાન્યા જાળવે છે.

બાકી મોટાભાગના તો અમુક ઉંમર પછી તેમના માતા-પિતાના માથા પર સવાર થઇ જાય છે. મિત્રતા જેવું વાતાવરણ આપવાના કારણે સંતાનો માતા-પિતાના બાપ બની જતા હોય છે. આ પિતાએ પ્રિયા ટંડનને તેમની આપવીતી જણાવી જે તમામ વાલીઓ માટે આંખ ઉઘાડનારી છે. પિતાના શબ્દોમાં જ જોઇએ.

હું ઓફિસથી ૧૦-૧૨ કલાક કામ કરીને ઘેર પરત ફર્યો. કામનો બોજ, ટાર્ગેટની પૂર્તિ અને બોસ જોડેની મીટિંગોની વ્યસ્ત શ્રેણી બાદ ઘેર પહોંચું ત્યારે ફસડાઈ જવાનું જ બાકી રહે.

ઘેર પહોંચ્યો ત્યારે મારી પત્નીને સખત તાવ અને નબળાઈ જણાતી હોઈ તેણે કણસતા કણસતા મારી સામે જોયું.ટેબલ પર મુકેલી ભોજનની થાળી તરફ આંખનો ઇશારો કરી મને સંકેત આપ્યો કે હું પહેલા મારૂ ભોજન લઇ લઉં.

જે રીતે થાળીમાં ભોજન પિરસાયેલું તે જોઇને મને અંદાજ આવી ગયો કે સખત અશક્તિ અને ચક્કર આવે તેવી સ્થિતિમાં પત્નીએ મહાપરાણે ઉભા થઇને જેમ તેમ કરીને મારા માટે ભોજનની પીરસેલી થાળી તૈયાર રાખી હતી. આમ છતા થાળીમાં બધુ જ હતુ, દાળ, શાક, રોટલી, સલાડ, અથાણુ, ચટણી વગેરે. જ્યારે જ્યારે મારી પત્નીની તબિયત સારી ના હોય કે તેને બીજી વ્યસ્તતા હોય તો પણ મારા ભોજનની તો તકેદારી તે લે જ.

હું ભોજન કરવા બેઠો અચાનક મને યાદ આવ્યું કે મારે ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની દવા લેવાની બાકી છે.

હું કલાકો પછી સખ્ત થાક અને તનાવ સાથે ઓફિસથી આવતો હોઉ તે મારા સંતાનો જૂએ પણ ટીવી કે મોબાઈલમાં જ મોં રાખીને દૂરથી કહી દે 'હાય પપ્પા.'

મારી પુત્રી અને પુત્ર પણ આવું જ વર્તન કરતા હોય છે. મેં મારી પુત્રીને કહ્યું કે 'બેટા જરા મારી દવા અને પાણી ભરેલ પ્યાલો આપીશ.' તેણે એવી રીતે આંખોના ડોળા ફેરવી હોઠ દબાવ્યા કે મને એવો સંકેત પાઠવી દીધો કે તમે મને ખલેલ પહોંચાડી રહ્યા છો.

આમ છતા તેણે ઉભા થઇને મને દવા અને પાણીનો પ્યાલો આપ્યો. ના મમ્મીના તાવ બાબત કોઈ ઉલ્લેખ કે ના દિવસ દરમ્યાનની કોઈ નવાજૂની જણાવી. મેં ભોજન લેવાનું શરૂ કર્યું તે સાથે જ અનુભવ્યું કે દાળ સાવ મોળી હતી. હવે મને એ પણ અંદાજ આવી ગયો કે આ હદે તાવ આવ્યો હોવા છતા મારી પત્નીએ ભારે નબળાઈ છતા ભોજન બનાવ્યું લાગે છે કેમ કે આવી નાદુરસ્ત તબિયત હોય તો જ તે રસોઈમાં આ ભૂલ કરે.

મેં મારી પુત્રીને કહ્યું 'સોરી બેટા, મને થોડુ મીઠુ આપીશ ?'

મારી પુત્રીએ મને જોરથી સંભળાય તેમ ઉભા થતા 'ઉફ્ફ' અવાજ કાઢ્યો.

મીઠાની શીશી તો આપી પણ ફરી મોબાઈલ સર્ફ કરવા માટે સોફા પર બેસવા જવા દરમ્યાન એ રીતે પગ પછાડતા ચાલીને જાણે અણસાર આપ્યો કે ''હવે મારે તેને કંઈ કામ નહીં ચિંધવું. '' (પાણી અને મીઠું આપવું કે ટેબલ પરથી થાળી સિન્કમાં મુકવી, સિન્ક નજીક પડેલા કપ-રકાબી નળ નીચે મુકી વીછળવા તેને આજકાલની છોકરીઓ કામ ગણે છે.)

થોડી મિનીટો વીતી હશે. ત્યાં પિતાએ બાજુમાં બેઠેલા પુત્ર તરફ જોઈને કહ્યું કે ''બેટા... ત્યાં તો પુત્રએ ઉધ્ધતાઈથી બૂમ પાડી કે'' ડેડ હવે શું જોઈએ છે? અમારે કેટલી વખત ઉભા થવાનું... હું ખૂબ થાકી ગયો છું. કોલેજથી હમણાં જ આવ્યો. થોડું તો રિલેક્સ થવા દો.

મેં આવા આત્મસન્માન વિના ભોજન બાદ થાળીને સિન્કમાં મુકી અને અશ્રુભીની આંખો લુછી નાંખી, આવો રોજેરોજનો અનુભવ થતો ગયો. મારી જોડે શોપિંગ, પ્રવાસ, રેસ્ટોરાં અને ટીવી-મોબાઈલ-ગેજેટ્સની ખરીદી વખતે તે સંતાનો ખૂબ પ્રેમ કરે છે. હંસી-મજાક અરસપરસ થાય. તેઓની તમામ ઈચ્છા-આકાંક્ષાઓને તેઓને હું કેટલો બોજ અને તંગી વચ્ચે સંતોષુ છું તેનો એહસાસ પણ ન થવા દઉં. હું ગૌરવ સાથે કહેતો કે હું અને મારા પત્ની સંતાનો જોડે માતા-પિતા કે જૂની પેઢીના પરંપરાગત વડીલની જેમ નહીં પણ મિત્રોની જેમ રહ્યા છીએ.

પણ આ જ સંતાનોને અમારા ઘરની કે કુટુંબની કોઈ વ્યક્તિ સાવ તણખલા જેવું કામ સોંપે કે જે તેમના સ્વકેન્દ્રી શેડયુલને ખલેલ પહોંચાડે તો મોં બગાડીને રીતસર અપમાન કરે કે પછી મ્હેણાટોણા ફટકારે. એક નાનું અમથું ટુથબ્રશ કે હેરઓઈલની શીશી ખરીદીને આપે તો પણ સંભળાવે કે ''પપ્પા તમારું કામ કરી આપ્યું ને.''

આજકાલ સંતાનોના આત્મસન્માનને બહુ પ્રોત્સાહન આપવામાં આવે છે પણ માતા-પિતાના આત્મસન્માનનું શું? માતા-પિતા તેમના સંતાનોના અહંકાર, સ્વાતંત્ર્યને પોષી તો નથી રહ્યા ને? લાડ લડાવવાના બદલે અહંકાર કે ગેરશિસ્તનું સિંચન નથી કરી રહ્યા ને? પણ આ જ સંતાનો એક પાઇ પણ કોઈના માટે ઘસાવા નથી માંગતા.

માતા-પિતા પીડા સાથે એવું કહેતા સાંભળી શકાય છે કે ''આજકાલ છોકરાઓ ક્યાં સાંભળે છે?'' પણ શા માટે?

થોડા દિવસ પહેલા અમે એક ડિનર પાર્ટીમાં ગયા હતા. બધા ખુરશી પર બેઠા હતા. એક એવી ખુરશી ખાલી પડી હતી જે ટેકો ના આપી શકાય તેવી ગોળ ટેબલની ડિઝાઈનની હતી. તેવામાં જ એક સિનિયર સિટિઝન મહેમાન આવ્યા. તેમને પીઠને ટેકા વગરની ખુરશી પર બેસવું ના ફાવે એટલે તેણે બધા સિનિયરો જોડે જ ખુરશીમાં લંબાવીને બેઠેલા છોકરાને કહ્યું કે, ''બેટા તને વાંધો ના હોય તો તું પેલી ખુરશી (પીઠને ટેકો ના મળે તેવી) બેસીને મને તારી ખુરશી પર બેસવા દઈશ ?'' તરત જ પેલા છોકરાએ કહ્યું કે, ''અંકલ તમે તે જગાએ ચાલ્યા જાવ ને.'' વડીલનું મોં પડી ગયું.

એક વાલી તેની કારની ચાવી કારમાં જ ભુલી જઈને પાર્ક કરીને હોલમાં આવી પહોંચ્યા. તેમને યાદ આવતા તેની પુત્રીને કહ્યું કે, ''બેટા, કારમાંથી ચાવી લઈ આવીશ.'' પુત્રીએ છણકો કરતા કહ્યું કે, ''આજકાલ તમે ભૂલકણા થતા જાવ છો ડેડ... તમારી આ આદત છૂટે એટલે હવે તમે જ તે ચાવી લેવા જાવ...'' બધા વચ્ચે ઝખવાણા થયેલા પિતાએ કહ્યું કે, ''હા... હા... ડેડી જ તારો આજીવન નોકર રહેશે બસ મારી રાજકુંવરી.'' પિતાજી ચાવી લેવા કાર તરફ ધીમા ડગલે પહોંચ્યા. આ એ જ પિતા છે જેની કાર લઈને પુત્રી કોલેજમાં અને પાર્ટીમાં રોફભેર રખડતી હોય છે.

પોતાના કે ઘરના સભ્યો માટે શાકભાજી, ફળો, ગ્રોસરી કે કોઈ ચીજવસ્તુ ખરીદવા ૫૦ મીટર છેટે જવાનું કહેવાય તો પણ સંતાનો મોં ફૂલાવે છે. જેમાં તેઓએ પણ ખુશીમાં કે ઉજવણીમાં સામેલ થવાનું હોય તેને લગતું કામ હોય તો પણ તેઓ માતા-પિતાનું અપમાન કરી શકે છે.

સંતાનોને વાલીઓએ જ એવી આદત પાડી છે કે તમને બધુ થાળીમાં મળશે... માતા-પિતાએ જ બધુ કરવાનું હોય તમારે તો માત્ર ભોગવવાનું હોય. અમે પરોઢથી મોડી રાત્રિ સુધી બહું ઢસરડા કર્યા. હવે તમે આરામ કરો. તમે સળીનો કટકો ના કરો તે તમારૂ સ્ટેટસ અને સુખી ઘરનો પુરાવો સમજવો.

વાલીઓના આવા લાડકોડ સાથે ઉછરેલા આ સંતાનો તેમનું સ્વતંત્ર જીવન કઈ હદે સ્વાર્થી બનીને વીતાવશે તે અંગે વિચારો. નવી પેઢીના દંપતીઓમાં છુટાછેડાના કારણોનો અભ્યાસ કરશો તો જણાશે કે બંને પાત્રોમાંથી કોઈને એકબીજા પ્રત્યે પ્રેમ વધે તે પ્રકારનું સ્વાર્પણ કે સમાધાનની ભાવના જ નથી. બંને પાત્રો એકબીજાના વર્તનનો (નોટ કેરિંગ) બદલો જ લેતા જીવન આગળ ધપાવે છે. તમે કોઈ માટે ઘસાવ છો તો સામેનાનો પ્રેમ પામો છો. પાયામાંથી આ જ પાસુ નીકળી ગયું છે.

માતા-પિતાએ કહ્યું કે, ''અમે જે આદતો સાથે પુત્ર કે પુત્રીને ઉછેર્યા છે તેવા અસંસ્કાર કે કુટેવો, આદતો ધરાવતી પુત્રવધુ કે જમાઈને નથી ઈચ્છતા. તેઓ પાસેથી તો શિસ્ત અને પરંપરાનો આગ્રહ રાખીએ છીએ.''

હા, એવા સંતાનો પણ છે જેઓ જોડે માતા-પિતાએ મિત્ર બનીને ઉછેર કર્યો હોઈ તેઓ ખૂબ જ ઉમદા અને ઉદાહરણીય સંતાનો બનીને બતાવે છે. તેઓ કાયમ એક વાતનું ધ્યાન રાખે છે કે માતા-પિતા ભલે મિત્ર બને પણ એક માતા-પિતા તરીકેનું સન્માન અને આદર તો આજીવન જળવાવું જ જોઈએ.

પણ મોટાભાગના સંતાનો માતા-પિતાના સૌજન્યના અતિરેકને લીધે થોડા સ્વતંત્ર થતા જ પ્રભાવની પરવા નથી કરતા. પપ્પા-મમ્મી મિત્ર હોઈ તેની જોડે ગમે તેવું વર્તન થઈ શકે છે. આથી જ આ પિતા પ્રત્યેક માતા-પિતાને એવી સલાહ આપે છે કે ઘરમાં લશ્કરી શિસ્ત કે માતા-પિતાનો ખોફ ભલે ના રાખો પણ નાનપણથી સંતાનોને ઘરની સભ્યતા, શિસ્ત, પરંપરાના આગવા સંસ્કારો અને શિસ્ત તો કેળવવી જ રહી.

પહેલી વખત જ જ્યારે સંતાન આત્મસન્માનને ઠેંસ પહોંચાડતું વર્તન કરે ત્યારે જ તેને મક્કમતાથી અટકાવી દેવો અને પ્રેમથી સમજાવવો જ જોઈએ. ઉઠવાના, બેસવાના, ઘરની સ્વચ્છતાના, ઘરના કામો, બહારના કામો પહેલેથી જ કરાવવા આગળ જતા  તમે કહેશો તો તે મોં ચઢાવવા માંડશે. મિત્ર જ માનતા હોઈ સામું બોલતા ખચકાશે નહીં.

યાદ રહે સંતાનોને મિત્રો તો ઘણા હોય છે અને મળી પણ રહશે પણ માતા-પિતા તો એક જ હોય છે... માટે જ માતા-પિતા બનીને રહો !

No comments:

Post a Comment