Saturday, December 15, 2018

સાસુ વિનાનું સાસરું

સાસુ વિનાનું સાસરું

સુહાની હજી કૉલેજથી પાછી જ ફરી હતી કે બેઠકખંડમાં કોઈ મહેમાનને બેઠેલા જોઈ સહેજ સંકોચાઈ હતી. ઉપરછલ્લી એ લોકો તરફ એક નજર નાખી એ ફટોફટ અંદર જતી રહેલી. ત્યાંજ મમ્મીની બૂમ આવેલી,

“ સુહાની બે કપ ચા લેતી આવજે બેટા ! ”

સુહાનીને ગુસ્સો આવી ગયેલો. મમ્મી જુએ છે કે હું હજી હાલ કૉલેજથી ચાલી આવી છું અને તોય મને જ ચા બનાવવાનું કહે છે ! એ રસોડામાં ગઈ અને ચા મૂકી.

ચા લઈને એ બેઠકખંડમાં ગઈ ત્યારે ત્યાં હાજર બધી નજરો એના ઉપર જ તકાયેલી હોય એમ એણે નીચી નજરેય નોંધ્યું.

“ બેસ બેટા !” મમ્મીએ હાથ પકડીને એને બેસાડી દીધી.

“ સરસ ! ખૂબ સુંદર. સાચું કહું તો મને મારા કિશન માટે આવી જ રૂપાળી વહુ જોઈતી હતી. એય કેટલો રૂપાળો છે પછી એની સાથે શોભે એવી તો જોઈએ જ ને ! ” ઘરે આવેલા વડીલ બોલેલા.

હવે સુહાનીને ભાન થયું આ લોકો એને જોવા આવ્યા હતા. એણે સહેજ જ નજર કરી હતી કિશન તરફ. એ ખરેખર રૂપાળો હતો.

એ લોકો પછી નીકળી ગયા. છોકરા છોકરી વચ્ચે એકાંતમાં કોઈ વાત ના થઇ. સુહાની એ ઇચ્છતી હતી પણ, એની મરજી કોઈએ પૂછી જ નહિ. લગ્ન માટે સામેથી હા આવેલી અને લગ્ન નક્કી થઈ ગયા. સુહાનીને આ વખતે પણ કોઈએ કંઈ ના પૂછ્યું !

એની મમ્મીનાં મત મુજબ છોકરો રૂપાળો છે, સારું કમાઈ લે છે, ઘરબાર સારા છે પછી બીજું શું જોઈએ ? સુહાની પછી એની નાની બેનનું પણ એમણે ઠેકાણું પાડવાનું હતું. સુહાની થોડી આળસું હતી એની મમ્મીનાં મતે એટલે એના માટે આ જ ઘર યોગ્ય હતું. બાપ દીકરો બે જ જણ હતા ઘરમાં, સાસુની કોઈ ખટપટ નહિ. આવું સાસરું તો નસીબદારને મળે ! સાસુ વિનાનું સાસરું !

સુહાનીના લગ્ન લેવાઈ ગયા. નવા ઘરમાં આમતો એને બધી વાતે શાંતિ હતી પણ એના સસરા એને ઘણી વખત અકળાવી મૂકતા.

સવારે સુહાનીને ઉઠતા જો થોડુક મોડું થઈ જાય તો એ રસોડામાં પ્રવેશે ત્યારે એના સસરાએ ચા મૂકી દીધી હોય.

“ આજે થોડું મોડું થઈ ગયું દીકરા ? કંઈ વાંધો નહિ મે ચા બનાવી લીધી છે. કિશનને મોડું ના થવું જોઈએ. મગના ખાખરાનો ડબો અને આ મોળા મરચા એને નાસ્તામાં આપજો, એને બહું ભાવે."

કિશન ચાનો ઘૂંટ પીતા જ કહી દેતો, “ ચા પપ્પાએ બનાવી છે ને ! એક કપ બીજો લાવજે ને પ્લીઝ ! ”

સુહાની રસોડામાં જતી તો વધારે ચા પહેલેથી જ તૈયાર જોતી. વાત ફક્ત ચાની ન હતી. દરેક વસ્તુમાં એના સસરા કિશન માટે કંઇક ને કંઇક કરતા અને કિશન એમના વખાણ કરતો. સુહાનીને આ પસંદ નહતું આવતુ.

એ લીલા રંગની સાડી પહેરી કિશન સાથે બહાર જવા તૈયાર થતી તો તરત એના સસરા કહેતા, “ ના, ના, દીકરા કિશનને આ રંગ નથી ગમતો. હું કઉ તું ગુલાબી રંગની સાડી પહેરી લે. જો ન હોય તો ખરીદી લાવ. તારા સાસુને સાડીઓનો ખૂબ શોખ હતો. કબાટ ભરીને એમની સાડીઓ એવી ને એવી પડી છે જો જૂની ના લાગે તો એમાંથી પહેરી લે ! ”

સાંજે એણે ઢોસા બનાવ્યા હોય તો તરત એના સસરા એમની એક્સપર્ટ સલાહ આપવા રસોડા સુંધી આવી જતા.

“ દીકરા, કિશનને નારિયેળની ચટણી વગર નહી ચાલે. તાજુ જ નાળિયેર જોઈશે હો... ના હોય તો હું ગાંધીને ત્યાંથી લઈ આવું.”

સુહાની કમને નારિયેળની ચટણી પિસતી હોય ત્યારે કઈ સામગ્રી કેટલી નાખવી એનું ધ્યાન એના સસરા બીજા રૂમમાં રહે રહે રાખતા જ હોય ! જો સુહાની કોઈ વાતે આનાકાની કરે તો તરત એના સસરા જાતે એ કામ કરી લેતા. સુહાનીને એનાથી બહુ ખરાબ લાગતું.

આવી નાની નાની રોક ટોક વગર એના સસરા શૈલેષભાઈની બીજી કોઈ વાતે માથાફૂટ ન હતી પણ, આ નાનકડી રોકટોક જ સુહાની માટે માથાનો દુખાવો બની ગઈ હતી...સાસુ વિનાનું સાસરું આ મૂછાળી સાસુ સાથે સુહાનીને પસંદ ન હતું

એકવાર બંને બહાર ગયેલા. કિશન અને સુહાનીને ઘરે આવતા થોડું મોડું થયેલું. શૈલેષભાઈનો ફોન આવી ગયેલો બે વાર ! વરસાદ અંધાર્યો હતો અને સુહાનીને આઇસ્ક્રીમ ખાઈને જ ઘરે જવું હતું.

બંને ઘરે આવ્યા ત્યારે પલળી ગયા હતા. શૈલેષભાઈએ બંનેને ખખડાવેલા થોડાંક. કિશનને સરદી થઈ ગયેલી. બે દિવસ તાવ આવી ગયો ત્યારે શૈલેષભાઈ બધી મર્યાદાઓ મૂકીને દીકરા વહુના ઓરડામાં બે દિવસ અને રાત બેસી રહેલા. આખી રાત કિશનનું માથું અને હાથ પગ દાબી આપેલા. છાતી પર, પિંઠ પર બામ ચોળી આપેલો...

સુહાનીથી આ વખતે ના રહેવાયું. એનું મોઢું ચડી ગયું. એણે થતું હતું કે એને કરવાના કામ એના સસરા જ કરે જાય છે....સાસુ નથી ઘરમાં પણ અહીં સસરા મૂછાળી સાસુ થઈને બેઠા છે એનું શું ? સુહાનીને લાગતું કે એના સસરાની આટલી મમતાને લીધે જ કિશન અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી નથી ખીલ્યો. જે નાની નાની દરકાર કરી એક સ્ત્રી એના પતિના દિલમાં પોતાનું સ્થાન જમાવતી હોય એ બધું અહીં એની મૂછાળી સાસુ જ કરતી હતી...અંદર ને અંદર ધૂંધવાયેલી સુહાની આખરે રડી પડી.

બહાર હીંચકા પર બેસી સુહાની રડી રહી હતી. એની બાજુમાં જ રહેતા માસી કોઈ દિવસ નહીં ને આજે એની પાસે આવેલા. સુહાનીએ ફટોફટ આંસુ લૂછી નાખ્યા.

“ આવોને માસી ! કંઇ કામ હતું ?”

“ ના રે ના ! કામ તો કંઇ નથી આતો તને અહીં બેઠેલી જોઈ તો થયું લાવ બે ઘડી વાતો કરતી આવું. કિશનને તાવ છે ?” સુધામાસીએ ધીરેથી વાત ચાલુ કરી.

“ હા. અમે લોકો થોડા દિવસ પહેલા પલળેલાને એટલે એમને તાવ આવી ગયો. ” સુહાની દાજમાં જ બોલી ગઈ.

“ લે તે એમાં શું ? હવે આ ઉંમરે નહીં પલળો તો ક્યારે પલળશો ? ” એ જોરથી હસી પડ્યા.

“ કિશનની મમ્મીએ બળ્યું આવું જ કરતી. શૈલેષભાઈને સરદી થઈ જાય તો કહેતી બે કપ આદુવાળી ચા વધારે પી લેજો પણ મારું ચોમાસું ના બગાડો ! અને શૈલેષભાઈ પણ માની જતા. એમનો જ સરદીનો કોઠો કિશનને વારસામાં મળ્યો છે. બંને બાપ દીકરો જશોદાના ગયા પછી કદી વરસાદમાં ભીંજાયા જ નથી. સારું થયું તે કિશનને બહાર કાઢ્યો.”

“ જશોદાબેન અને શૈલેષભાઈ એકમેકને એટલું સરસ રીતે સમજતા !” સુધામાસીએ થોડીવાર અટકીને વાત શરુ કરી. “ પેલું શું કેય છે દો જીસ્મ એક જાન, એના જેવું જ. નાનકડી ઉંમરમાં એ માંદગીમાં પટકાયા ત્યારે જતા જતા શૈલેષભાઈ પાસેથી વચન લીધેલું કે એ એમના કિશનને એની મા બનીને સાચવશે. કિશનની જશોદા બનીને રહેશે. કદી એમના દીકરાને કોઈ વાતે ઓછું નહીં આવવા દે.”

“ શૈલેષભાઈ પણ કહેવું પડે ! મરતી પત્નીને આપેલું વચન અક્ષરસ પાળી બતાવ્યું. નોકરી, ઘરની જવાબદારી બધું એકલા હાથે સંભાળ્યું. કિશન જે કહે એજ સાંજની રસોઈમાં બને. ના આવડતું હોય તો શીખીને બનાવે પણ બહારથી ના લાવે...! એકવાર તો કિશનને એની બા બહુ યાદ આવી ગયેલી. કોઈ ગુજરાતી પીચ્ચર જોઈને આવેલો, “ ખોળાનો ખૂંદનાર ", હજી મને નામ યાદ છે. એની માની સાડીમાં મોઢું નાખીને એ રડતો હતો ને શૈલેષભાઈ જોઈ ગયા. મારી પાસે આવ્યા અને મને કહે બહેન તમે પૂછોને મારો કિશન કેમ રડે છે ? મારા પ્રેમમાં ક્યાં કચાશ આવી ? હું ક્યાં ભુલો પડ્યો ? એને આમ રડતો મારાથી નહી જોવાય !”

મેં કિશનને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો. એણે ફિલ્મની વાત કરી અને એને એની બા યાદ આવી ગઈ એ પણ જણાવ્યું. મેં એ બધું એના પપ્પાને કહેલું. કંઈ ચિંતા જેવું નથી. તમે ગમે એટલું સાચવો તોયે છોકરું છે ક્યારેક એની બા યાદ આવી જાય.

“ હા. તમારી વાત બરોબર છે. જશોદાની યાદ આવી જાય. એ હતી જ એવી. હું હવે મારા દીકરાનું વધારે ધ્યાન રાખીશ ”

આવા માણસો બહુ ઓછા જોવા મળે સુહાની. એમણે એમની આખી જિંદગી દીકરા પાછળ ખર્ચી નાખી. બીજીવાર લગ્ન પણ ના કર્યા. દીકરાનું ધ્યાન રાખવું એ એક જ એમના જીવનનું લક્ષ્ય છે, મરતી પત્નીને વચન આપેલું ! તારા ઉપર પણ એમને અપાર વહાલ છે. તું એમની રોકટોકથી અકળાઈ જાય છે એની એમને ખબર છે છતાં તારા ઉપર જરીકે ગુસ્સે થયા વગર તને સતત માર્ગદર્શન આપતા રહે છે જેથી તું અને કિશન સારી રીતે, સુખેથી જીવો ! આજે તને રડતી જોઈ ને એમનાથી ના રહેવાયું. એમણે જાતે આવીને મને કહ્યું કે હું તારી સાથે વાત કરું. તને એમના લીધે તકલીફ હોય તો કહી દે એ કોઈ બહાનું કરીને ગામડે રહેવા જતા રહેશે. કિશનને આ વાત ક્યારેય નહિ જણાવતી. એમના મતે એમનો દીકરો ખૂબ લાગણીશીલ છે એને જરાય દુઃખ ના પડવું જોઈએ.

સુહાની શું બોલે. એ ચૂપ હતી. સસરાની ટક ટક એને પરેશાન જરૂર કરતી હતી પણ એનો એવો મતલબ હરગિજ ન હતો કે એ ઘર છોડીને ગામડે ચાલી જાય. સુહાની ઊભી થઈ અને ધીરે પગલે અંદર ગઈ.

શૈલેષભાઈ સોફામાં બેઠા કપડાંની ગડી કરી રહ્યા હતા. બીજો કોઈ દિવસ હોત તો સુહાનીને આ જોઈને અણગમો થયો હોત. એ પોતે ના કરી લેત, શી જરૂર છે એના સસરાને આવા બૈરાના કામ કરવાની ! પણ, આજે એ એવું ના વિચારી શકી.

“ પપ્પા...મારે તમને કંઇક કહેવું છે !" સુહાની ધીરેથી બોલી.

“ બોલ ને દીકરા !” શૈલેષભાઈએ સામેના સોફા પરથી ગડી કરેલ કપડાં ઉઠાવી સુહાનીને બેસવાની જગા કરી આપી.

સુહાની ત્યાં બેઠી. થોડીવાર ચૂપ રહી. શૈલેષભાઈના કાન એ શું કહે છે એ સાંભળવા આતુર થઈ રહ્યા.

“ પપ્પા, હું મમ્મી બનવાની છું. તમે દાદા ! મને ત્રીજો મહિનો જાય છે. હું મુંઝાતી હતી કે આ વાત કોને કહું કિશનને આ વાત કરતા પહેલા પાકી ખાતરી કરી લેવા માંગુ છું. મારે ડૉક્ટરને બતાવવા જવું છે....તમે મારી સાથે આવશો ? એકલા જતા મને ડર લાગે છે, તમે આવશોને મારી સાથે ?” સુહાની રડમસ અવાજે બોલી હતી.

“ ચોક્કસ દીકરા ! જરૂર આવીશ. આ ખબર આપીને તો તમે મને ફરી યુવાન બનાવી દિધો. જશોદા તું દાદી બનવાની અને હું દાદા ! હું મારા વ્યાજને સંભાળીશ તમે કિશનને સંભાળજો અને જો કહી દવ છું આજથી તમારા રસોડામાં આંટાફેરા બંધ. હું જેમ કહું એમ જ તમારે કરવું પડશે. ” શાૈૈૈલેષભાઈની આંખોમાં આંસુ હતા અંને હોઠો પર સ્મિત..

“ જી પપ્પા ! ”

સસરા વહુ બંનેની આંખો વરસી પડી. સુધામાસી હળવેથી એમના ઘરે પાછા જતા રહ્યા આંખો તો એમની પણ ભીંજાયેલી હતી....
©Niyati Kapadia.

ડેડી કૂલ... સંતાનો હોટ

મને જાણ નથી  કોની પોસ્ટ છે છતાં  સારી લાગી એટલે કોપી પેસ્ટ કરી અહીં મુકું છું...

*ડેડી કૂલ... સંતાનો હોટ*

''અમે જે આદતો સાથે પુત્ર કે પુત્રીને ઉછેર્યા છે તેવા અસંસ્કાર કે કુટેવો, આદતો ધરાવતી પુત્રવધુ કે જમાઈને નથી ઈચ્છતા. તેઓ પાસેથી તો શિસ્ત અને પરંપરાનો આગ્રહ રાખીએ છીએ.''

સંતાનોના મિત્ર નહીં માતા-પિતા બનીને જ રહો

બા ળ ઉછેર અને વાલીઓની સમસ્યા પર લેખિકા પ્રિયા ટંડન તેના આગવા વિચારો માટે જાણીતા છે. એક પિતાએ પ્રિયા ટંડનને કઇ રીતે સંતાનોનો ઉછેર કરવો તે અંગેનો આંખ ઉઘાડતો અનુભવ જણાવ્યો હતો.

પિતાએ પ્રિયા ટંડનને કહ્યું કે તમારા જેવા સામાજિક બાબતોનો સલાહકારો આજકાલ અજબ પ્રકારનો પ્રચાર કરી રહ્યા છે કે માતા-પિતાએ તો સંતાનો જોડે મિત્ર બનીને રહેવું જોઇએ પણ ખરેખર વર્તમાન સંતાનો પૈકી જૂજ એવા હોય છે કે જે તેમના માતા-પિતાનો મિત્રતાભર્યો વ્યવહાર હોય તો પણ વળતી આમાન્યા જાળવે છે.

બાકી મોટાભાગના તો અમુક ઉંમર પછી તેમના માતા-પિતાના માથા પર સવાર થઇ જાય છે. મિત્રતા જેવું વાતાવરણ આપવાના કારણે સંતાનો માતા-પિતાના બાપ બની જતા હોય છે. આ પિતાએ પ્રિયા ટંડનને તેમની આપવીતી જણાવી જે તમામ વાલીઓ માટે આંખ ઉઘાડનારી છે. પિતાના શબ્દોમાં જ જોઇએ.

હું ઓફિસથી ૧૦-૧૨ કલાક કામ કરીને ઘેર પરત ફર્યો. કામનો બોજ, ટાર્ગેટની પૂર્તિ અને બોસ જોડેની મીટિંગોની વ્યસ્ત શ્રેણી બાદ ઘેર પહોંચું ત્યારે ફસડાઈ જવાનું જ બાકી રહે.

ઘેર પહોંચ્યો ત્યારે મારી પત્નીને સખત તાવ અને નબળાઈ જણાતી હોઈ તેણે કણસતા કણસતા મારી સામે જોયું.ટેબલ પર મુકેલી ભોજનની થાળી તરફ આંખનો ઇશારો કરી મને સંકેત આપ્યો કે હું પહેલા મારૂ ભોજન લઇ લઉં.

જે રીતે થાળીમાં ભોજન પિરસાયેલું તે જોઇને મને અંદાજ આવી ગયો કે સખત અશક્તિ અને ચક્કર આવે તેવી સ્થિતિમાં પત્નીએ મહાપરાણે ઉભા થઇને જેમ તેમ કરીને મારા માટે ભોજનની પીરસેલી થાળી તૈયાર રાખી હતી. આમ છતા થાળીમાં બધુ જ હતુ, દાળ, શાક, રોટલી, સલાડ, અથાણુ, ચટણી વગેરે. જ્યારે જ્યારે મારી પત્નીની તબિયત સારી ના હોય કે તેને બીજી વ્યસ્તતા હોય તો પણ મારા ભોજનની તો તકેદારી તે લે જ.

હું ભોજન કરવા બેઠો અચાનક મને યાદ આવ્યું કે મારે ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની દવા લેવાની બાકી છે.

હું કલાકો પછી સખ્ત થાક અને તનાવ સાથે ઓફિસથી આવતો હોઉ તે મારા સંતાનો જૂએ પણ ટીવી કે મોબાઈલમાં જ મોં રાખીને દૂરથી કહી દે 'હાય પપ્પા.'

મારી પુત્રી અને પુત્ર પણ આવું જ વર્તન કરતા હોય છે. મેં મારી પુત્રીને કહ્યું કે 'બેટા જરા મારી દવા અને પાણી ભરેલ પ્યાલો આપીશ.' તેણે એવી રીતે આંખોના ડોળા ફેરવી હોઠ દબાવ્યા કે મને એવો સંકેત પાઠવી દીધો કે તમે મને ખલેલ પહોંચાડી રહ્યા છો.

આમ છતા તેણે ઉભા થઇને મને દવા અને પાણીનો પ્યાલો આપ્યો. ના મમ્મીના તાવ બાબત કોઈ ઉલ્લેખ કે ના દિવસ દરમ્યાનની કોઈ નવાજૂની જણાવી. મેં ભોજન લેવાનું શરૂ કર્યું તે સાથે જ અનુભવ્યું કે દાળ સાવ મોળી હતી. હવે મને એ પણ અંદાજ આવી ગયો કે આ હદે તાવ આવ્યો હોવા છતા મારી પત્નીએ ભારે નબળાઈ છતા ભોજન બનાવ્યું લાગે છે કેમ કે આવી નાદુરસ્ત તબિયત હોય તો જ તે રસોઈમાં આ ભૂલ કરે.

મેં મારી પુત્રીને કહ્યું 'સોરી બેટા, મને થોડુ મીઠુ આપીશ ?'

મારી પુત્રીએ મને જોરથી સંભળાય તેમ ઉભા થતા 'ઉફ્ફ' અવાજ કાઢ્યો.

મીઠાની શીશી તો આપી પણ ફરી મોબાઈલ સર્ફ કરવા માટે સોફા પર બેસવા જવા દરમ્યાન એ રીતે પગ પછાડતા ચાલીને જાણે અણસાર આપ્યો કે ''હવે મારે તેને કંઈ કામ નહીં ચિંધવું. '' (પાણી અને મીઠું આપવું કે ટેબલ પરથી થાળી સિન્કમાં મુકવી, સિન્ક નજીક પડેલા કપ-રકાબી નળ નીચે મુકી વીછળવા તેને આજકાલની છોકરીઓ કામ ગણે છે.)

થોડી મિનીટો વીતી હશે. ત્યાં પિતાએ બાજુમાં બેઠેલા પુત્ર તરફ જોઈને કહ્યું કે ''બેટા... ત્યાં તો પુત્રએ ઉધ્ધતાઈથી બૂમ પાડી કે'' ડેડ હવે શું જોઈએ છે? અમારે કેટલી વખત ઉભા થવાનું... હું ખૂબ થાકી ગયો છું. કોલેજથી હમણાં જ આવ્યો. થોડું તો રિલેક્સ થવા દો.

મેં આવા આત્મસન્માન વિના ભોજન બાદ થાળીને સિન્કમાં મુકી અને અશ્રુભીની આંખો લુછી નાંખી, આવો રોજેરોજનો અનુભવ થતો ગયો. મારી જોડે શોપિંગ, પ્રવાસ, રેસ્ટોરાં અને ટીવી-મોબાઈલ-ગેજેટ્સની ખરીદી વખતે તે સંતાનો ખૂબ પ્રેમ કરે છે. હંસી-મજાક અરસપરસ થાય. તેઓની તમામ ઈચ્છા-આકાંક્ષાઓને તેઓને હું કેટલો બોજ અને તંગી વચ્ચે સંતોષુ છું તેનો એહસાસ પણ ન થવા દઉં. હું ગૌરવ સાથે કહેતો કે હું અને મારા પત્ની સંતાનો જોડે માતા-પિતા કે જૂની પેઢીના પરંપરાગત વડીલની જેમ નહીં પણ મિત્રોની જેમ રહ્યા છીએ.

પણ આ જ સંતાનોને અમારા ઘરની કે કુટુંબની કોઈ વ્યક્તિ સાવ તણખલા જેવું કામ સોંપે કે જે તેમના સ્વકેન્દ્રી શેડયુલને ખલેલ પહોંચાડે તો મોં બગાડીને રીતસર અપમાન કરે કે પછી મ્હેણાટોણા ફટકારે. એક નાનું અમથું ટુથબ્રશ કે હેરઓઈલની શીશી ખરીદીને આપે તો પણ સંભળાવે કે ''પપ્પા તમારું કામ કરી આપ્યું ને.''

આજકાલ સંતાનોના આત્મસન્માનને બહુ પ્રોત્સાહન આપવામાં આવે છે પણ માતા-પિતાના આત્મસન્માનનું શું? માતા-પિતા તેમના સંતાનોના અહંકાર, સ્વાતંત્ર્યને પોષી તો નથી રહ્યા ને? લાડ લડાવવાના બદલે અહંકાર કે ગેરશિસ્તનું સિંચન નથી કરી રહ્યા ને? પણ આ જ સંતાનો એક પાઇ પણ કોઈના માટે ઘસાવા નથી માંગતા.

માતા-પિતા પીડા સાથે એવું કહેતા સાંભળી શકાય છે કે ''આજકાલ છોકરાઓ ક્યાં સાંભળે છે?'' પણ શા માટે?

થોડા દિવસ પહેલા અમે એક ડિનર પાર્ટીમાં ગયા હતા. બધા ખુરશી પર બેઠા હતા. એક એવી ખુરશી ખાલી પડી હતી જે ટેકો ના આપી શકાય તેવી ગોળ ટેબલની ડિઝાઈનની હતી. તેવામાં જ એક સિનિયર સિટિઝન મહેમાન આવ્યા. તેમને પીઠને ટેકા વગરની ખુરશી પર બેસવું ના ફાવે એટલે તેણે બધા સિનિયરો જોડે જ ખુરશીમાં લંબાવીને બેઠેલા છોકરાને કહ્યું કે, ''બેટા તને વાંધો ના હોય તો તું પેલી ખુરશી (પીઠને ટેકો ના મળે તેવી) બેસીને મને તારી ખુરશી પર બેસવા દઈશ ?'' તરત જ પેલા છોકરાએ કહ્યું કે, ''અંકલ તમે તે જગાએ ચાલ્યા જાવ ને.'' વડીલનું મોં પડી ગયું.

એક વાલી તેની કારની ચાવી કારમાં જ ભુલી જઈને પાર્ક કરીને હોલમાં આવી પહોંચ્યા. તેમને યાદ આવતા તેની પુત્રીને કહ્યું કે, ''બેટા, કારમાંથી ચાવી લઈ આવીશ.'' પુત્રીએ છણકો કરતા કહ્યું કે, ''આજકાલ તમે ભૂલકણા થતા જાવ છો ડેડ... તમારી આ આદત છૂટે એટલે હવે તમે જ તે ચાવી લેવા જાવ...'' બધા વચ્ચે ઝખવાણા થયેલા પિતાએ કહ્યું કે, ''હા... હા... ડેડી જ તારો આજીવન નોકર રહેશે બસ મારી રાજકુંવરી.'' પિતાજી ચાવી લેવા કાર તરફ ધીમા ડગલે પહોંચ્યા. આ એ જ પિતા છે જેની કાર લઈને પુત્રી કોલેજમાં અને પાર્ટીમાં રોફભેર રખડતી હોય છે.

પોતાના કે ઘરના સભ્યો માટે શાકભાજી, ફળો, ગ્રોસરી કે કોઈ ચીજવસ્તુ ખરીદવા ૫૦ મીટર છેટે જવાનું કહેવાય તો પણ સંતાનો મોં ફૂલાવે છે. જેમાં તેઓએ પણ ખુશીમાં કે ઉજવણીમાં સામેલ થવાનું હોય તેને લગતું કામ હોય તો પણ તેઓ માતા-પિતાનું અપમાન કરી શકે છે.

સંતાનોને વાલીઓએ જ એવી આદત પાડી છે કે તમને બધુ થાળીમાં મળશે... માતા-પિતાએ જ બધુ કરવાનું હોય તમારે તો માત્ર ભોગવવાનું હોય. અમે પરોઢથી મોડી રાત્રિ સુધી બહું ઢસરડા કર્યા. હવે તમે આરામ કરો. તમે સળીનો કટકો ના કરો તે તમારૂ સ્ટેટસ અને સુખી ઘરનો પુરાવો સમજવો.

વાલીઓના આવા લાડકોડ સાથે ઉછરેલા આ સંતાનો તેમનું સ્વતંત્ર જીવન કઈ હદે સ્વાર્થી બનીને વીતાવશે તે અંગે વિચારો. નવી પેઢીના દંપતીઓમાં છુટાછેડાના કારણોનો અભ્યાસ કરશો તો જણાશે કે બંને પાત્રોમાંથી કોઈને એકબીજા પ્રત્યે પ્રેમ વધે તે પ્રકારનું સ્વાર્પણ કે સમાધાનની ભાવના જ નથી. બંને પાત્રો એકબીજાના વર્તનનો (નોટ કેરિંગ) બદલો જ લેતા જીવન આગળ ધપાવે છે. તમે કોઈ માટે ઘસાવ છો તો સામેનાનો પ્રેમ પામો છો. પાયામાંથી આ જ પાસુ નીકળી ગયું છે.

માતા-પિતાએ કહ્યું કે, ''અમે જે આદતો સાથે પુત્ર કે પુત્રીને ઉછેર્યા છે તેવા અસંસ્કાર કે કુટેવો, આદતો ધરાવતી પુત્રવધુ કે જમાઈને નથી ઈચ્છતા. તેઓ પાસેથી તો શિસ્ત અને પરંપરાનો આગ્રહ રાખીએ છીએ.''

હા, એવા સંતાનો પણ છે જેઓ જોડે માતા-પિતાએ મિત્ર બનીને ઉછેર કર્યો હોઈ તેઓ ખૂબ જ ઉમદા અને ઉદાહરણીય સંતાનો બનીને બતાવે છે. તેઓ કાયમ એક વાતનું ધ્યાન રાખે છે કે માતા-પિતા ભલે મિત્ર બને પણ એક માતા-પિતા તરીકેનું સન્માન અને આદર તો આજીવન જળવાવું જ જોઈએ.

પણ મોટાભાગના સંતાનો માતા-પિતાના સૌજન્યના અતિરેકને લીધે થોડા સ્વતંત્ર થતા જ પ્રભાવની પરવા નથી કરતા. પપ્પા-મમ્મી મિત્ર હોઈ તેની જોડે ગમે તેવું વર્તન થઈ શકે છે. આથી જ આ પિતા પ્રત્યેક માતા-પિતાને એવી સલાહ આપે છે કે ઘરમાં લશ્કરી શિસ્ત કે માતા-પિતાનો ખોફ ભલે ના રાખો પણ નાનપણથી સંતાનોને ઘરની સભ્યતા, શિસ્ત, પરંપરાના આગવા સંસ્કારો અને શિસ્ત તો કેળવવી જ રહી.

પહેલી વખત જ જ્યારે સંતાન આત્મસન્માનને ઠેંસ પહોંચાડતું વર્તન કરે ત્યારે જ તેને મક્કમતાથી અટકાવી દેવો અને પ્રેમથી સમજાવવો જ જોઈએ. ઉઠવાના, બેસવાના, ઘરની સ્વચ્છતાના, ઘરના કામો, બહારના કામો પહેલેથી જ કરાવવા આગળ જતા  તમે કહેશો તો તે મોં ચઢાવવા માંડશે. મિત્ર જ માનતા હોઈ સામું બોલતા ખચકાશે નહીં.

યાદ રહે સંતાનોને મિત્રો તો ઘણા હોય છે અને મળી પણ રહશે પણ માતા-પિતા તો એક જ હોય છે... માટે જ માતા-પિતા બનીને રહો !

Sunday, October 14, 2018

પપ્પા અને દિવાળી.....

દિવાળી ની સાફ સફાઈ દરમ્યાન પપ્પા નો જર્જરિત ઝભ્ભો હાથ માં અચાનક આવી ગયો....
હું  એ ઝભ્ભો સાથે... સોફા પર બેસી ગયો...અને એ ભૂતકાળ ની દિવાળી....કેવી હતી તેના સંસ્મરણો યાદ કરવા લાગ્યો...

દિવાળી ની  આગમન ની તૈયારીઓ ઘર મા કેવી ચાલતી હતી.......
ઘર મા દિવાળી નું વાતવરણ નવરાત્રી સમય થી જામેલું રહેતું..

ઘર ના દરેક  સભ્યો ની જરૂરિયાત ધ્યાન મા રાખી...પાપા કોઈ  કસર બાકી છોડી ન હતા

હું મોટો થઈ ગયો..હતો...
એટલે પાપા ની દરેક વાત...ને ધ્યાન થી  સાંભળતો...અને વિચારતો....

મમ્મી બોલતી.. હવે તમારે કયારે કપડાં સિવડાવવા આપવા ના છે...?
પપ્પા હસ્તા..હસ્તા  કહેતા.કબાટ મા આટલા બધા કપડાં તો પડ્યા છે...મારે નવા કપડાં ની શુ  જરૂર છે...?

પણ તમારા મોજા અને
અંડર વેર..ફાટી  ગયા છે...તે તો ખરીદી લ્યો...હવે..મમ્મી બોલતી..

પાપા..પાછા....હસ્તા હસ્તા જવાબ આપતા અરે ગાંડી...અંદર કોણ જોવા ..આવવાનું છે....લઈ લઇશુ.. શુ ઉતાવળ છે...?

મમ્મી બોલી... પેલા કામવાળા  હવે કહે છે..
સાહેબ ના નવા અંડર વેર કયારે લાવો છો ?
બહાર ની દોરી એ સુકવાય એવા પણ  નથી રહેવા દીધા..તમે

પાપા ..મમ્મી ને હંમેશા ખિજાવવા ના મૂડ મા જ રેહતા.....

તો તું જ મારા કપડાં ધોતી જા ને....કામવાળા ને શું કામ આપે છે...પાપા હસ્તા.હસ્તા બોલતા..

મમ્મી કહેતી.બધી વાત ને  ગમ્મત મા ના લો...
દિવાળી મા કોઈ ના ઘરે જઇએ ત્યાંરે મોજા મા થી પગ નો  અંગુઠો તમારો બહાર જોઈ.. ને અમે બધા શરમાઇ જઈએ છીયે...

ઘણી વખત તો..પાછા પગ પર પગ  ચઢાવી સ્ટાઇલો મારો છો..
પણ બુટના તળિયા તો ફાટી ગયા હોય છે....એતો તમને ખબર નથી હોતી..

બુટ પોલિશ ની ડબ્બી પણ બે મહિના થી ખાલી થઈ ગઈ છે ..કોરો ગાભો.. મારી ક્યાં સુધી ચલાવવા નું છે.?

બસ  કરો ભાગ્યવાન (મમ્મી ને પાપા પ્રેમ થી આ નામે બોલાવતા) તે તો મારા બાળકો ની સામે ..મારી  ફિલ્મ ઉતારી નાખી....

મને કરકસર કરવા મા આનંદ આવે છે...મારો સમય હતો.. ત્યાંરે તને ખબર છે..
મારા શોખ વિશે તું જ મારી ટીકા કરતી...હતી

સમય પ્રમાણે વ્યકતી ના જીંદગી પ્રત્યે ના શોખ.. રુચિ..અને અભિગમ બદલાતા રહે છે....

હું શોખ ની વાત નથી કરતી.....મમ્મી બોલી
દાઢી ની બ્લેડ પણ ધાર વગર ની.. વગર શેવિંગ ક્રિમે તમારા ગાલ ઉપર  ઘસી..ઘસી.. રોજ લોહી લુવાણ થઈ જાવ છો....
ટૂથ પેસ્ટ નવી પડી હોય તો પણ વેલણ ફેરવી ફેરવી ને પેસ્ટ ને છેલ્લે સુધી ચૂસી લો છો....આ બધું છે શુ ....?

અને અમે બધા ખડખડાટ હસી પડતા પાપા પણ  પેટ પકડી હસી પડ્યા...બસ કર...હવે...

એ વખત નું વાતવરણ રમુજી અને કૈક જુદુજ હતું... ..છતાં પણ વાસ્તવિકતા થી દુર નહોતું....

હું ઘણો પ્રયત્ન કરવા જાઉ  છું..પણ તેવું વાતવરણ ઘરમાં હું ઉભું  નથી કરી શકતો ...

પાપા વિશે મારી કલ્પના ....દેવો થી પણ ઉપર  હતી...
જાગતો દેવ તો ઘર મા જ બેઠો હોય છે..અને નાહક ના મંદિર અને ગુરુજી ના આશ્રમ ના પગથિયાં  આપણે ઘસીએ છીયે

ગુરુઓ ,બાવા, સાધુ સંત તો..પરિવાર વગર ના છે....તેમને એક પરિવાર ની ભાવના કે જરૂરિયાત વિશે ક્યાંથી ખબર હોય... ?

જ્ઞાન આપવું સહેલું છે....સંસાર રૂપી અગ્નિની મા તપારો ખમીયે પછી...સત્ય નું જ્ઞાન થાય છે...

ભક્તો ના રૂપિયા થી સફેદ ઈસ્ત્રી ટાઈટ કપડાં, ટ્રિમ કરેલ દાઢી ,અને મોંઘી ગાડી મા ફરતા ગુરુજી ને કહો..
કોઈ વખત ST બસ મા મુસાફરી કરો..કોઈ વખત સિટી બસ પકડવા દોટ મુકો..આખર તારીખ મા ઘર ની જરૂરુયાત પુરી કરો....

રૂપિયા કમાવવા માટે ઘણી વખત માન.. સ્વમાન ને પણ ભૂલી જવું પડે છે...
એક વખત સંસાર  માંડો આ તમારા જ્ઞાન ની બધી હવા નીકળી જશે....

ભગવાન શ્રી ક્રિષ્ના પણ કહે છે..સાચો સન્યાસી સંસારી છે...બાવા અને ગુરુઓ જે સંસાર થી ભાગ્યા છે..તે લોકો ભાગેડુ ની કક્ષા મા આવે...

થોડી વાર પછી પાપા અને મમ્મી એકલા બેઠા હોય..ત્યારે
હું અંદર ના રૂમ મા તેમનો સંવાદ  સંભળાતો હતો....

ડિસેમ્બર.. મા મેડિકલેમ...અને આપણા સંજય ની કોલેજ ની ફી  ભરવા ની આવે છે....
કોઈ જગ્યા એ કર કસર કરશું તો આ બધા ખર્ચા ઓ ને પહોંચી શકીશું..

સમાજ મા અને કુટુંબ મા લોકો આપણને માન થી એટલે જ જોવે છે..કે હજુ ભગવાન ની કૃપા થી અને આપણી સમજદારી ને કારણે ..કોઈ પાસે હાથ લંબાવવાની નોબત નથી આવી...
અને જે વ્યકતી જીંદગી મા વિચારી વિચારી પગલા ભરે છે..તે હંમેશા..મુશ્કેલી સામે લડી  શકે છે....

પપ્પા હંમેશા કેહતા...ઉદાર બનો..પણ ઉડાઉ ના બનો....
જરૂરિયાત ઘટાડો..અપેક્ષાઓ
તેની...મેળે ઘટી જશે...
ખોટી અપેક્ષાઓ જ દુઃખ નું કારણ છે.. સમાજ અને પરિવાર થી આપણને  દુર આપણી ખોટી અપેક્ષાઓ જ લઈ જાય છે..

ભાગ્યવાન..આવનાર..પરિસ્થિતિ
નો સામનો કરવો બહુજ કઠિન હશેે..
બેંક ના વ્યાજદર ઘટતા જાય છે...આપણી પેન્શન વગર
ની નોકરી..છે ..
બચત એજ  આપણું માન  સ્વમાન છે
દેખાદેખી છોડી..વાસ્તવિક્તા મા મધ્યમ વર્ગે જીવવું જ પડશે....

પાપા ની વાતો  સાંભળી..આંખો પાણી થી ભરાઈ ગઈ...હતી
આપણી ખુશીઓ માટે પોતાના મોજ શોખ હસ્તા હસ્તા..ત્યજી દેનાર માઁ બાપ બે શબ્દો કોઈ વખત કહી દે તો મન ઉપર ના લેવું જોઈએ..

દીવાલ ઉપર લટકતા  માઁ પપ્પા ના ફોટા સામે જોઈ ભીની આંખે  બોલાઈ ગયું...

જાને કહા ગયે વો...દિન..
પાપા..day was gone....

"લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ"

'Social Media'માથી સાભાર...