Saturday, December 15, 2018

એક આચાર્યનો અંતરાત્મા”

“ એક આચાર્યનો અંતરાત્મા”

વરસાદ કાલ મધરાતનો વરસી રહ્યો હતો. ગામની આજુબાજુ આવેલા રસ્તાઓ હવે લગભગ પાણીમાં ગરકાવ થવાની તૈયારીમાં હતા. શાળારાબેતા મુજબ ખુલ્લી હતી. બાળકો લગભગ કોઈ આવ્યા નહોતા . નજીકનાઘરોમાંથી મોટા ધોરણના છોકરાઓ આવ્યા હતા . શાળાનાસીનીયરશિક્ષીકાદક્ષાબેને એ બાળકોને કેરમ કાઢી આપ્યું એટલે અમુકકેરમ રમી રહ્યા હતા .

અમુકલાયબ્રેરીમાંથી પુસ્તકો કાઢીને વાંચી રહ્યા હતા. શાળામાં જેટલી સંખ્યામાં બાળકો હતા એની ત્રણ ગણી સંખ્યામાં વૃક્ષો હતા. વરસાદમાંનાહીનેવૃક્ષો નવપલ્લવિત થઇ ગયા હતા. ખરા અર્થમાં રળિયામણી શાળા હતી.  હવે તો આઠ ધોરણ અને આઠ શિક્ષકો હતા બસોની આજુબાજુ સંખ્યા હતી. ત્રણ શિક્ષકો હજુ આઠ માસ પહેલા જ આવ્યા હતા . એ બધા અપરપ્રાયમરીમાં હતા . લોઅરમાં જુના પાંચ શિક્ષકો હતા. આચાર્યવાસુદેવભાઈ હતા. આજ ગામમાં નોકરીની શરૂઆત કરી હતી અને હવે નિવૃતથવામાં આઠેક વરસ બાકી રહ્યા હતા. આજુબાજુની આઠ થી દસ શાળામાં અને તાલુકામાં વાસુદેવ ભાઈનો એક દબદબો હતો. એક ખાસ માન હતું. સન્માન હતું. ગામમાં પણ વાસુદેવભાઈ ને લોકો અહોભાવથી જોતા હતા . એને જ કારણે શિક્ષકોને ગામલોકોતરફથી કોઈ જ હેરાનગતિ નહોતી.

બધા જ શિક્ષકો પોણા અગિયાર વાગ્યે આવી ગયા હતા. પણ હજુ સુધી વાસુદેવ ભાઈ આવ્યા નહોતા. અગિયાર થવા આવ્યા હતા અને એક છોકરો આવીને દક્ષાબેન પાસે ઉભો રહ્યો .થોડી વાતચીત થઇ અને દક્ષાબેનઓફિસમાં આવ્યા . અપર વાળા શિક્ષકો વાતે વળગ્યા હતા. અમુકડોનાલ્ડટ્રમ્પ અને કિગજોહનની વાતો કરી રહ્યા હતા. એક ચશ્માં વાળો અને પોતાને બુદ્ધીજીવી સમજતો સમાજવિધાનો શિક્ષક મોદીનીનિષ્ફળતાઓગણાવી રહ્યો હતો.

ભાષાના બહેન પોતાના મોબાઈલ દ્વારા વરસાદનાવીડીયા જોઈ રહ્યા હતા.આજે બાળકો નહોતા આવ્યા અને ખાસ કરીને આચાર્ય વાસુદેવ ભાઈ નહોતા આવ્યા એટલે  શિક્ષકો પાસે મોબાઈલ હતા  બાકી શાળામાં શિક્ષક આવે અને હાજરી પત્રકમાં સહી પછી કરવાની પણ એ પહેલા મોબાઈલબંધ થઈને એક ટેબલના ખાનામાં ગોઠવાઈ જતાં!! દક્ષાબેને હાજરીપત્રક ખોલીને એમાં વાસુદેવભાઈના ખાનામાં આજની રજા મૂકી દીધી અને વળી પાછા એ લોબીમાં પોતાની ખુરશી પર ગોઠવાઈ ગયા અને ધીમીધારે પડતા વરસાદને જોઈ રહ્યા હતા. વરસાદનું જોર ધીમું પડ્યું હતું.

જેવાદક્ષાબેન બહાર ગયા કે ચશ્માં વાળા શિક્ષકે હાજરી પત્રક જોયું. અને બોલ્યો.

“સાહેબ રજા પર છે આજે.. આજે આમ તો એ ન આવે તો પણ ચાલે અને રજા ના મુકે તો પણ ચાલે પણ હરિચંદ્રનાગાડામાંથી પડી ગયા હોય એ જીવનભર અમુક સિદ્ધાંતોનુંપુંછડું એવું પકડીને રાખે કે ના પૂછો વાત!!!”

“ એ તો પુંછડું પકડે પણ બીજા પાસે અનુકરણ કરાવે એ સાલું સમજાય એવું નથી. બાકી આપણા મોટા સાહેબનું ખાતું યુરોપિયન જેવું છે. બધું ટાઈમ ટુ ટાઇમ!! શું મળતું હશે આવું કરીને!! અરે માણસ છીએ કાઈ મશીન તો નથી.. કદાચ ક્યારેક પંદર મિનીટમોડાઆવીએ કે વહેલાજઈએ તો શું ખાટુ મોળું થઇ જવાનું છે??? આઆજુબાજુની નિશાળમાં બધું જ હાલે છે ને મને ઓલીહીના કહેતી હતી કે એનો આચાર્ય બહુ સારો એ હમણા વતનમાં ગઈ હતી ચાર દિવસ અને પાછી આવી ત્યારે આચાર્યે સહીઓ કરાવી દીધી.. આને કહેવાય સંઘ ભાવના..આને કહેવાય માણસાઈ … આને કહેવાય માનવતા અને આપણી આ નિશાળ તો નવી નવાઈની છે દસ મિનીટ પણ મોડું ના ચાલે..તરતા જ અડધી રજા મુકાઇ જાય બોલો” મોબાઈલ બાજુમાં મુકીને ભાષાવાળારૂપાળાબહેન બોલ્યાં!!

જુના જે ચાર શિક્ષકો હતા એ તો શાળાના પરિસરથી ટેવાઈ ગયેલા અને આ જ ગામમાં રહેતા હતા એટલે એને કોઈ સમય સાથે તકલીફ નહોતી પણ આ ત્રણ નવા આવ્યા હતા આઠ માસ પહેલા એને આ બધા કડક નિયમ કઠતા હતા. પણવાસુદેવભાઈ નું જીવન જ એવું હતું કે કોઈ નકારાત્મક બાબતો હજુ સુધી એના ધ્યાનમાં આવી નહોતી. શરૂઆતમાં ઘણું ધ્યાન રાખ્યું પણ કોઈ નબળી બાજુ જ જોવા ના મળી. પોતે પણ નિયમનું એટલું જ કડકાઈ થી પાલન કરતા. પોતે સમય સર તો આવે જ ઉપરાંત પોતે પણ મોબાઈલ ફોન બંધ કરીને મૂકી દે અને રીશેષમાં જ ખોલે.શાળાના તમામ પત્રકો એ જાતે જ બનાવતા અને એ પણ શાળા સમય પહેલા કે શાળા સમય બાદ જ!! પ્રાર્થના સભામાં એ સહુથી પહેલા બેસતા. નહિતર આજ કાલ તો પ્રાર્થના સભામાં આચાર્ય બેસે એ ખ્યાલ જ અસ્તિત્વ બહારની વાત છે.

દરેકશિક્ષક્ને એક કબાટ આપી દીધો હતો એમાં કાગળ થી માંડીને કાતર અને ચોકથી માંડીને ચાર્ટ પેપર સુધીની તમામ વસ્તુઓ ઉપલબ્ધ હતી. શિક્ષક્ને કોઈ વસ્તુ લેવા ઓફિસમાં ધક્કો જ નહિ. ઉપરાંતસાડાત્રણનીરીશેષમાં ચા બનતી એનો તમામ ખર્ચ વાસુદેવભાઈભોગવતા. શાળામાં કોઈ અધિકારી આવે ને એના માટે ચા નાસ્તો થયો હોય તો પણ તમામ સ્ટાફને એ સહભાગી બનાવતા.શિક્ષકો પાસેથી એક પણ રૂપિયો એણે કદી પણ લીધો નથી. પોતે આચાર્ય હોવા છતાં એ એક ધોરણ લેતા.ફક્ત લેતા જ નહિ પણ ભણાવતા પણ ખરા!! ધોરણ લેવું અને ભણાવવું એમાં લાખ ગાડાનો ફેર છે!! અને સ્ટાફ માટે સહુથી મોટી વાત કે કદી પણ ગામની કે તાલુકાના અધિકારીની સહેજ પણ રંઝાડ કે બીક આ શાળામાં હતી જ નહિ!!

“જેમ તકલીફ છે એમ ફાયદા પણ છે જ ને!! આજુબાજુના ગામમાં જોવો તો ખ્યાલ આવશે કે શિક્ષકોને વાલીઓ ક્લાસમાં આવીને ઘચકાવી જાય છે અને આપણે એ વાત ની તો અહિયાં નિરાંત છે ને અને આપણે જે સમય પુરીએ છીએ એ પ્રમાણે જ આવીએ છીએ.. વધારે રોકાવાનું કહેતા હોય તો આપણે વાંધો ઉપાડી શકીએ.. આ તો બીજી શાળામાં અમુક બાબતો સારી લાગે પણ ત્યાં પ્રશ્નો પણ એવા જ છે ને એ તમને ક્યાં નથી ખબર..!!” ગણિત વિજ્ઞાન વાળા શિક્ષકે જીવન શિક્ષણ વાંચતા વાંચતા કહ્યું.

“એ વાત ની ક્યાં ના છે.. બધી જ રીતે આચાર્ય વંદન કરવાને લાયક છે પણ આ સમયમાં થોડી બાંધ છોડ કરે તો શું ખાટું મોળું થઇ જવાનું છે હું એમ જ કહું છું.. કે થોડું વહેલું મોડું ચલાવી લે તો કયું આભ તૂટી પડવાનું છે?? અને એમાં બધાનો ફાયદો છે ને?? આજ એણે રજા ના મૂકી હોત તો ચાલતને?? તાલુકામાંથી કોણ જોવા આવવાનું છે આ વરસાદમાં??”  ભાષા વાળા બહેન પોતે લાવેલ ૨૪ કલાક ઠંડી રહેતી બોટલમાંથી પાણી પીતાપીતા કહ્યું.

“ એ નહિ બને!! એની પાછળ ની એક કહાની છે.. એ કોઈ કાળે નહિ બને” દક્ષાબેને કહ્યું/ બધાઠરીને ઠીકરું થઇ ગયા. દક્ષાબેન બારણાની વચ્ચે ઉભાહતા. દક્ષાબેન આવીને આ વાતો સાંભળતાં હશે એની તો કોઈને ખબર પણ નહોતી. આચાર્યવાસુદેવભાઈની કોઈ પણ વાત કરવાની હોય અ ત્રણ શિક્ષકો કોઈ ના હોય ત્યારે જ કરતા. બધાની નજર નીચી થઇ ગઈ હતી. દક્ષાબહેન આવીને એક ખુરશી પર બેઠાં.

“ તમને અમુક બાબતોની ખબર ના હોય ને એટલે સ્વાભાવિક છે કે તમે આવી વાતો કરો છો. આસ્ટાફમાં આ વાતની કોઈને ખબર પણ નથી.પણ મે ઘણી વાર સાંભળ્યું છે કે સમયના નિયમો તમને થોડા આકરા લાગે છે પણ વાસુદેવ ભાઈ એ ક્યારેય નહિ બદલાવે એનું કારણ હુંએકલી જ  જાણું છું. અને વાત આગળ વધે અને મતભેદ મનભેદમાંપરિવર્તિત થાય અને શાળાનું વાતાવરણ ખરાબ થાય એ બાળકોના હિતમાં નથી એટલે આજે હું તમને એ વાત જણાવું છું. એક વાત ની સ્પષ્ટતા કરી દઉં કે તમારી કોઈ વાતથી મને દુખ નથી લાગ્યું.. પણ શાળાનું વાતાવરણ જેટલું સારું એટલું જ એમાં તૈયાર થતા બાળકોનું ભવિષ્ય સારું” દક્ષાબેને કહ્યું. બધા એમની સામે એક અહોભાવની નજરે જોઈ રહ્યા. અનેદક્ષાબેને વાત શરુ કરી.

“આજથી વીસ વરસ પહેલાની વાત છે . હું આ શાળામાં આવી એને એક વરસ થયું હતું.સાત ધોરણની શાળા અને વાસુદેવ ભાઈ એકલા જ હતા.સંખ્યા પણ ઓછી એટલે નિશાળનું ગાડું ગબડયે જતું હતું. આમ તો સેટ અપ પાંચ શિક્ષક્નુહતું.પણ અમે બે જ શિક્ષકો કામ કરતા હતા.એ વખતે સમયનું કોઈ જ બંધન નહોતું. હું ક્યારેક સાડાઅગિયારે આવું તો ક્યારેક બાર વાગ્યે.. હું પણ અપ ડાઉન કરતી હતી. ઘરનું વાહન નહિ એટલે ગામની રિક્ષા આવે ત્યારે એમાં આવતી હતી. વાસુદેવભાઈ નો સ્વભાવ પણ સારો.પોતે એક પણ રજા ના ભોગવે. બીજાને ભોગવવી હોય તો ભોગવવા દે. ત્રણ ધોરણ એ એકલા લેતા અને મને બે ધોરણ આપેલા.ઉપરાંત આચાર્યની કામગીરી પણ ખરી!! એવામાં એક શિક્ષકની નવી નિમણુક થઇ. સુરત બાજુના એ શિક્ષક હતા નામ એનું નીતિન ભાઈ!! એ હાજર થવા આવ્યા ત્યારે કાર લઈને આવેલા. હાજર થયા પછી એની સાથે આવેલા એના પિતાજી બોલ્યા.

નીતિન ને આ ગામ તો નહીં ફાવે એટલે તમને વાંધો ના હોય તો એક કામ કરોને એ અડધો પગાર તમને આપી દેશે. મહીને ચાર પાંચ દિવસ આવી જશે,વરસ દિવસ આવું ચલાવો ત્યાં અમે બદલી કરાવી લઈશું. વાસુદેવભાઈ તો જાણે છક થઇ ગયા. નીતિન ના પાપા શિક્ષક એની મમ્મી શિક્ષક એના ભાઈ એન્જીનીયર અને એની પત્ની નર્સ હતી. આવા કુટુંબનો મોભી સાવ વાહિયાત વાત કરી રહ્યો હતો. એને સ્પષ્ટ ના પાડી અને કહ્યું એ વાત ના કરતા. જો તમારે નોકરી જ ના કરવી હોય તો સ્વીકારી શું કામ?? બીજા કોઈનો વારો તો આવવા દેવો હતો.. હા તકલીફ હોય તો એનો રસ્તો થાય. બે ત્રણ દિવસ એવી કોઈ કપાણ આવી જાય તો હું ચલાવી લઉં પણ આ પૈસા વાળી વાત રહેવા જ દેજો.. બીજી નિશાળમાં જે ચાલે તે અહી નહિ ચાલે.

પછીનીતિન હાજર થયો. એ પણ અપ ડાઉનકરે.અઠવાડિયામાં ચાર દિવસ આવે અને બાકી મજા નહોતી એવા બહાના કાઢે. વાસુદેવભાઈ ને એમ કે ધીમે ધીમે થાળે પડી જશે એટલે ચલવ્યે રાખે. એમાં એક શનિવારે નીતિન આવીને રોવા લાગ્યો કે એમની પત્ની ને ડીલીવરી આવવાની છે અને સુરત જવું છે.નવી નવી નોકરી છે એટલે જાજી રજા નહિ મળે હવે શું કરીશું?? વાસુદેવ ભાઈ પીગળી ગયા અને કીધું કે અઠવાડિયુંજતા રહો. હું સંભાળી લઈશ. અઠવાડિયાનુંકહીનેનીતિન પંદર દિવસે આવ્યો.હાથમાંપેંડાનું બોક્સ હતું.અમનેપેંડા આપ્યા અને કહ્યું કે બાબા નો જન્મ થયો છે અને કાચની પેટીમાં રાખ્યો છે. વાસુદેવ ભાઈએ પાછી એને રજા આપી.

નીતિન ગયો પાછો પંદર દિવસે આવ્યો. એ વખતે પગાર રોકડમાંચૂકવાતો. પગાર થઇ ગયો હતો. વાસુદેવ ભાઈએ પગાર આપ્યો. પણ પગાર પહોંચમાં પછી સહી લઈશું એમ કીધું. નીતીને  બધી વાતો કરી. હોસ્પીટલમાંથી બાબા અને એની માતાને રજા આપી દીધી છે.મહિના પછી એ ફેમેલી સાથે રહેવા આવી જશે..!! બીજે જ દિવસે વાસુદેવભાઈ બાબા માટે ચાંદીના નાના કડલા લઇ આવ્યા અને નીતીનભાઈ ને કહ્યું કે તમે આ શની રવિ સુરત જાવને ત્યારે આ અમારા તરફ થી બાબા ને કડલાપહેરાવજો.. અમારેઅહીકાઠીયાવાડમાંરીવાજ છે કે નાના બાબાનો જન્મ થાય એટલે હરખમાં કશું લઇ દઈએ. વળી બીજી એક વાત નીતિનટીફીન લીધા વગર આવતો અને વાસુદેવભાઈ એના ઘરે એમને જમાડતા.

આમ તો એક મહિનામાં એ માંડ પાંચેક દિવસ નોકરીએ આવ્યો હોય તો.. બીજે દિવસે નીખીલ ના આવ્યો અને વાસુદેવભાઈ ને કામ સબબ તાલુકામાં અચાનક જવાનું થયું. શિક્ષણશાખાની ઓફિસમાં ગયા કે ખબર પડી કે નીતિન રાજીનામું દઈને હજુ ગયો જ છે. વાસુદેવ ભાઈ દોડ્યા સીધા બસ સ્ટેન્ડ પર જોયું તો એક બાંકડા પર નીતિન બેઠો હતો. વાસુદેવભાઈ ને એટલો ગુસ્સો આવેલો કે એણે સીધી જ બે વળગાડી દીધી નીતિન ના ગાલ પર અને કહ્યું કોડા રાજીનામું આપવું હોય તો મેં ના પાડી હતી.એક તો આખા મહિનાનો પગાર લઇ લીધોઅને પગાર સ્લીપ પર સહી પણ નથી કરી ?? તારે મારા રોટલાઅભડાવી નાંખવા છે?? કાઠલો પકડીને નીતિન ને બસ સ્ટેન્ડ બહારલાવ્યાં. પાકીટમાંથી કાગળ કાઢીને ફટાફટ પગાર સ્લીપમાંનીતિન ની સહી લીધી અને પછી જવા દીધો.

તાલુકામાં એક બીજો શિક્ષક શિક્ષણશાખામાં મળી ગયો  એ પણ નીતિન મિત્રહતોઅનેસુરતનો જ  હતો. ત્યાંવાસુદેવભાઈ એ જે વાત સાંભળી અને એને ચક્કર આવી ગયા. નીતિને લગ્ન જ નહોતા કર્યા. બાળક તો ક્યાંથી હોય..??ઉલ્લુ પણ બનાવી ગયો અને ચાંદીના કડલા પણ ઝીંકતો ગયો” દક્ષાબેન વાત કરતા ગયા અને બધા ધ્યાન મગ્ન બનીને સાંભળતાં રહ્યા. સહેજઅટકીને એ બોલ્યા.

“બીજે દિવસે નિશાળમાં આવીને એ રડ્યાએક શિક્ષક દરજ્જાનો વ્યક્તિ આટલી હદ સુધી ખોટું બોલી શકે એ માની જ નહોતા શકતા. મને એણે કહ્યું કે દક્ષાબહેન મેં એક મોટું પાપ કર્યું છે. જોકે મારો એમાં સ્વાર્થ નહોતો પણ તોય હું ભગવાનનો ગુનેગાર છું. એ નાલાયક શિક્ષક પાસે ખોટી સહીઓ કરાવી મેં એને હરામનો એક મહિનાનો પગાર આપ્યો. મારે ફક્ત એક લાલચ હતી કે બે ને બદલે ત્રણ શિક્ષકો હોય તો છોકરાને ફાયદો થાય. મારાઅંતરાત્માને ચેન નથી પડતું.. મારા થી ભૂલ થઇ ગઈ છે. સરકારઅને ભગવાનનો હું ગુનેગાર છું.. બસ પછી તો બે ત્રણ દિવસ સાવ સુનમુન થઇ ગયા અને ત્રીજા દિવસે આવીને કહ્યું કે આવતા મહિનાનો પગાર હું ઘરે નહિ લઇ જાવ આ નિશાળમાં વાપરીશ.. ભગવાનને હું  મારા કરેલા કરમનો હિસાબ હું આપી દઈશ.

અને તમે નહિ માનો એની પછી જે પગાર થયો એમાં એણે આવેલ તમામ રૂપિયા આ નિશાળમાં જ વાપર્યા. આ શાળામાં લોખંડ નો ચબુતરો એણે બનાવ્યો અને બાળકોને બેવખત જમાડ્યા. એક પણ રૂપિયો એ ઘરે ના લઇ ગયા. અને પછી એણે હાથમાં પાણી લીધું અને કહ્યું કે નિયમ બારું એક પણ કાર્ય હવે હું કરીશ નહિ.. બસ ત્યાર બાદ આ વીસ વરસ જતા રહ્યા . કોઈશિક્ષક્ને શાળાના બાળકોના ભોગે કોઈ પણ ફાયદો થાય એવું એક પણ કામ એણે કર્યું નથી. દસમિનીટમોડા આવો એટલે એ અડધી રજા મૂકી જ દે!! પોતેમોડા પડે તો પોતાની પણ અડધી રજા મુકીને એ નિશાળમાં કામ કરતા હોય છે. બસ પછી તો આ પ્રામાણીકતા થી એના ચહેરા પર એક વિશિષ્ટ તેજ ઝળકે છે.. તાલુકા કે જીલ્લાના તમામ અધિકારી આ શાળામાં પગ મુકે અને વાસુદેવભાઈ ને જુએ એટલે એને સંતોષ જ થાય!!  બહુ ઓછા શિક્ષકોમાં વાસુદેવ ભાઈ જેવું તેજ જોવા મળે છે!!આજે વરસાદ ને કારણે એના ઘરની બાજુમાં એક કાચું મકાન પડી ગયું છે એટલે એ કુટુંબને મદદ કરવા રોકાયાઅને એક છોકરા મારફત મને કહેવડાવીનેપણ રજાતોમુકાવી જ દીધી છે!!દક્ષાબેને વાત પૂરી કરી. પેલા ત્રણેય શિક્ષકોનચહેરા પર સંતોષનો ભાવ હતો. એમને એ વાતની ખુશી હતી કે એ શ્રેષ્ઠ આચાર્યની શાળામાં નોકરી કરી રહ્યા હતા.

વાત પૂરી કરીકે ત્યાં જ વાસુદેવ ભાઈ આવ્યા હાથમાં એક ડબ્બો હતો અને સાથે બે છોકરા. આવીને બોલ્યા.

“મારી બાજુમાં જ એક કાચું મકાન વરસાદના પાણી ભરાવાને કારણે પડી ગયું. એટલે એની વ્યવસ્થામાં હતો.  એ બધાને રોટલા શાક કરીને ખવડાવ્યા. ઘરમાં લોટ ખૂટી ગયો છે અને દળવાનીઘંટીએ  લાઈટ નથી, વરસાદ માંડ બંધ થયો. સવાર થી આમને આમ છું. ચા પણ પીધી નથી. હમણા થોડી વાર પહેલા જ નવરો થયો એટલે તમારી બેનનેકીધું કે ઘરમાંચણાનો લોટ તો છે એટલે મેથીનાભજીયા બનાવી નાંખ એટલે નિશાળે લઇ જાવ સ્ટાફ પણ ભૂખ્યો થયો હશે એટલે એની સાથે ખાઈ લઉંઅને આ રહ્યું ટાઢોડુ અને આવા ટાઢોડા માં ભજીયા જેવો એકેય ખોરાક નહિ અને વળી ભૂખ પણ વધારે લાગે એટલે હાલો બધા ગરમા ગરમ ભજીયા ખાઈ લો” ફટાફટ બધા ખુરશી ઓરી ખેંચીને ટેબલ ફરતા ગોઠવાઈ ગયા અનેભજીયા નો સ્વાદ માણતા ગયા. પેલા ત્રણ શિક્ષકોને આજે ભજીયા પુરા ભાવ્યા હતા. ભજીયાની સાથે સાથેવાસુદેવભાઈ ની પ્રામાણીકતા અને નિષ્ઠાને પણ પેટમાં ઉતારતા ગયા.. વાતાવરણમાં એક અજબ પ્રકારની સુગંધભરી શાંતિ પ્રસરી ગઈ હતી..!!

જીવનમાં અમુક માણસ ને માપવામાટે આપણી પાસે જે માપ પટ્ટી હોય છે એ ક્યારેક નાની પડતી હોય છે. બધા જ માણસને માપવા માટે એક સરખી માપપટ્ટી ક્યારેય કામમાં લાગતી નથી!!

લેખક:- મુકેશ સોજીત્રા

સાસુ વિનાનું સાસરું

સાસુ વિનાનું સાસરું

સુહાની હજી કૉલેજથી પાછી જ ફરી હતી કે બેઠકખંડમાં કોઈ મહેમાનને બેઠેલા જોઈ સહેજ સંકોચાઈ હતી. ઉપરછલ્લી એ લોકો તરફ એક નજર નાખી એ ફટોફટ અંદર જતી રહેલી. ત્યાંજ મમ્મીની બૂમ આવેલી,

“ સુહાની બે કપ ચા લેતી આવજે બેટા ! ”

સુહાનીને ગુસ્સો આવી ગયેલો. મમ્મી જુએ છે કે હું હજી હાલ કૉલેજથી ચાલી આવી છું અને તોય મને જ ચા બનાવવાનું કહે છે ! એ રસોડામાં ગઈ અને ચા મૂકી.

ચા લઈને એ બેઠકખંડમાં ગઈ ત્યારે ત્યાં હાજર બધી નજરો એના ઉપર જ તકાયેલી હોય એમ એણે નીચી નજરેય નોંધ્યું.

“ બેસ બેટા !” મમ્મીએ હાથ પકડીને એને બેસાડી દીધી.

“ સરસ ! ખૂબ સુંદર. સાચું કહું તો મને મારા કિશન માટે આવી જ રૂપાળી વહુ જોઈતી હતી. એય કેટલો રૂપાળો છે પછી એની સાથે શોભે એવી તો જોઈએ જ ને ! ” ઘરે આવેલા વડીલ બોલેલા.

હવે સુહાનીને ભાન થયું આ લોકો એને જોવા આવ્યા હતા. એણે સહેજ જ નજર કરી હતી કિશન તરફ. એ ખરેખર રૂપાળો હતો.

એ લોકો પછી નીકળી ગયા. છોકરા છોકરી વચ્ચે એકાંતમાં કોઈ વાત ના થઇ. સુહાની એ ઇચ્છતી હતી પણ, એની મરજી કોઈએ પૂછી જ નહિ. લગ્ન માટે સામેથી હા આવેલી અને લગ્ન નક્કી થઈ ગયા. સુહાનીને આ વખતે પણ કોઈએ કંઈ ના પૂછ્યું !

એની મમ્મીનાં મત મુજબ છોકરો રૂપાળો છે, સારું કમાઈ લે છે, ઘરબાર સારા છે પછી બીજું શું જોઈએ ? સુહાની પછી એની નાની બેનનું પણ એમણે ઠેકાણું પાડવાનું હતું. સુહાની થોડી આળસું હતી એની મમ્મીનાં મતે એટલે એના માટે આ જ ઘર યોગ્ય હતું. બાપ દીકરો બે જ જણ હતા ઘરમાં, સાસુની કોઈ ખટપટ નહિ. આવું સાસરું તો નસીબદારને મળે ! સાસુ વિનાનું સાસરું !

સુહાનીના લગ્ન લેવાઈ ગયા. નવા ઘરમાં આમતો એને બધી વાતે શાંતિ હતી પણ એના સસરા એને ઘણી વખત અકળાવી મૂકતા.

સવારે સુહાનીને ઉઠતા જો થોડુક મોડું થઈ જાય તો એ રસોડામાં પ્રવેશે ત્યારે એના સસરાએ ચા મૂકી દીધી હોય.

“ આજે થોડું મોડું થઈ ગયું દીકરા ? કંઈ વાંધો નહિ મે ચા બનાવી લીધી છે. કિશનને મોડું ના થવું જોઈએ. મગના ખાખરાનો ડબો અને આ મોળા મરચા એને નાસ્તામાં આપજો, એને બહું ભાવે."

કિશન ચાનો ઘૂંટ પીતા જ કહી દેતો, “ ચા પપ્પાએ બનાવી છે ને ! એક કપ બીજો લાવજે ને પ્લીઝ ! ”

સુહાની રસોડામાં જતી તો વધારે ચા પહેલેથી જ તૈયાર જોતી. વાત ફક્ત ચાની ન હતી. દરેક વસ્તુમાં એના સસરા કિશન માટે કંઇક ને કંઇક કરતા અને કિશન એમના વખાણ કરતો. સુહાનીને આ પસંદ નહતું આવતુ.

એ લીલા રંગની સાડી પહેરી કિશન સાથે બહાર જવા તૈયાર થતી તો તરત એના સસરા કહેતા, “ ના, ના, દીકરા કિશનને આ રંગ નથી ગમતો. હું કઉ તું ગુલાબી રંગની સાડી પહેરી લે. જો ન હોય તો ખરીદી લાવ. તારા સાસુને સાડીઓનો ખૂબ શોખ હતો. કબાટ ભરીને એમની સાડીઓ એવી ને એવી પડી છે જો જૂની ના લાગે તો એમાંથી પહેરી લે ! ”

સાંજે એણે ઢોસા બનાવ્યા હોય તો તરત એના સસરા એમની એક્સપર્ટ સલાહ આપવા રસોડા સુંધી આવી જતા.

“ દીકરા, કિશનને નારિયેળની ચટણી વગર નહી ચાલે. તાજુ જ નાળિયેર જોઈશે હો... ના હોય તો હું ગાંધીને ત્યાંથી લઈ આવું.”

સુહાની કમને નારિયેળની ચટણી પિસતી હોય ત્યારે કઈ સામગ્રી કેટલી નાખવી એનું ધ્યાન એના સસરા બીજા રૂમમાં રહે રહે રાખતા જ હોય ! જો સુહાની કોઈ વાતે આનાકાની કરે તો તરત એના સસરા જાતે એ કામ કરી લેતા. સુહાનીને એનાથી બહુ ખરાબ લાગતું.

આવી નાની નાની રોક ટોક વગર એના સસરા શૈલેષભાઈની બીજી કોઈ વાતે માથાફૂટ ન હતી પણ, આ નાનકડી રોકટોક જ સુહાની માટે માથાનો દુખાવો બની ગઈ હતી...સાસુ વિનાનું સાસરું આ મૂછાળી સાસુ સાથે સુહાનીને પસંદ ન હતું

એકવાર બંને બહાર ગયેલા. કિશન અને સુહાનીને ઘરે આવતા થોડું મોડું થયેલું. શૈલેષભાઈનો ફોન આવી ગયેલો બે વાર ! વરસાદ અંધાર્યો હતો અને સુહાનીને આઇસ્ક્રીમ ખાઈને જ ઘરે જવું હતું.

બંને ઘરે આવ્યા ત્યારે પલળી ગયા હતા. શૈલેષભાઈએ બંનેને ખખડાવેલા થોડાંક. કિશનને સરદી થઈ ગયેલી. બે દિવસ તાવ આવી ગયો ત્યારે શૈલેષભાઈ બધી મર્યાદાઓ મૂકીને દીકરા વહુના ઓરડામાં બે દિવસ અને રાત બેસી રહેલા. આખી રાત કિશનનું માથું અને હાથ પગ દાબી આપેલા. છાતી પર, પિંઠ પર બામ ચોળી આપેલો...

સુહાનીથી આ વખતે ના રહેવાયું. એનું મોઢું ચડી ગયું. એણે થતું હતું કે એને કરવાના કામ એના સસરા જ કરે જાય છે....સાસુ નથી ઘરમાં પણ અહીં સસરા મૂછાળી સાસુ થઈને બેઠા છે એનું શું ? સુહાનીને લાગતું કે એના સસરાની આટલી મમતાને લીધે જ કિશન અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી નથી ખીલ્યો. જે નાની નાની દરકાર કરી એક સ્ત્રી એના પતિના દિલમાં પોતાનું સ્થાન જમાવતી હોય એ બધું અહીં એની મૂછાળી સાસુ જ કરતી હતી...અંદર ને અંદર ધૂંધવાયેલી સુહાની આખરે રડી પડી.

બહાર હીંચકા પર બેસી સુહાની રડી રહી હતી. એની બાજુમાં જ રહેતા માસી કોઈ દિવસ નહીં ને આજે એની પાસે આવેલા. સુહાનીએ ફટોફટ આંસુ લૂછી નાખ્યા.

“ આવોને માસી ! કંઇ કામ હતું ?”

“ ના રે ના ! કામ તો કંઇ નથી આતો તને અહીં બેઠેલી જોઈ તો થયું લાવ બે ઘડી વાતો કરતી આવું. કિશનને તાવ છે ?” સુધામાસીએ ધીરેથી વાત ચાલુ કરી.

“ હા. અમે લોકો થોડા દિવસ પહેલા પલળેલાને એટલે એમને તાવ આવી ગયો. ” સુહાની દાજમાં જ બોલી ગઈ.

“ લે તે એમાં શું ? હવે આ ઉંમરે નહીં પલળો તો ક્યારે પલળશો ? ” એ જોરથી હસી પડ્યા.

“ કિશનની મમ્મીએ બળ્યું આવું જ કરતી. શૈલેષભાઈને સરદી થઈ જાય તો કહેતી બે કપ આદુવાળી ચા વધારે પી લેજો પણ મારું ચોમાસું ના બગાડો ! અને શૈલેષભાઈ પણ માની જતા. એમનો જ સરદીનો કોઠો કિશનને વારસામાં મળ્યો છે. બંને બાપ દીકરો જશોદાના ગયા પછી કદી વરસાદમાં ભીંજાયા જ નથી. સારું થયું તે કિશનને બહાર કાઢ્યો.”

“ જશોદાબેન અને શૈલેષભાઈ એકમેકને એટલું સરસ રીતે સમજતા !” સુધામાસીએ થોડીવાર અટકીને વાત શરુ કરી. “ પેલું શું કેય છે દો જીસ્મ એક જાન, એના જેવું જ. નાનકડી ઉંમરમાં એ માંદગીમાં પટકાયા ત્યારે જતા જતા શૈલેષભાઈ પાસેથી વચન લીધેલું કે એ એમના કિશનને એની મા બનીને સાચવશે. કિશનની જશોદા બનીને રહેશે. કદી એમના દીકરાને કોઈ વાતે ઓછું નહીં આવવા દે.”

“ શૈલેષભાઈ પણ કહેવું પડે ! મરતી પત્નીને આપેલું વચન અક્ષરસ પાળી બતાવ્યું. નોકરી, ઘરની જવાબદારી બધું એકલા હાથે સંભાળ્યું. કિશન જે કહે એજ સાંજની રસોઈમાં બને. ના આવડતું હોય તો શીખીને બનાવે પણ બહારથી ના લાવે...! એકવાર તો કિશનને એની બા બહુ યાદ આવી ગયેલી. કોઈ ગુજરાતી પીચ્ચર જોઈને આવેલો, “ ખોળાનો ખૂંદનાર ", હજી મને નામ યાદ છે. એની માની સાડીમાં મોઢું નાખીને એ રડતો હતો ને શૈલેષભાઈ જોઈ ગયા. મારી પાસે આવ્યા અને મને કહે બહેન તમે પૂછોને મારો કિશન કેમ રડે છે ? મારા પ્રેમમાં ક્યાં કચાશ આવી ? હું ક્યાં ભુલો પડ્યો ? એને આમ રડતો મારાથી નહી જોવાય !”

મેં કિશનને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો. એણે ફિલ્મની વાત કરી અને એને એની બા યાદ આવી ગઈ એ પણ જણાવ્યું. મેં એ બધું એના પપ્પાને કહેલું. કંઈ ચિંતા જેવું નથી. તમે ગમે એટલું સાચવો તોયે છોકરું છે ક્યારેક એની બા યાદ આવી જાય.

“ હા. તમારી વાત બરોબર છે. જશોદાની યાદ આવી જાય. એ હતી જ એવી. હું હવે મારા દીકરાનું વધારે ધ્યાન રાખીશ ”

આવા માણસો બહુ ઓછા જોવા મળે સુહાની. એમણે એમની આખી જિંદગી દીકરા પાછળ ખર્ચી નાખી. બીજીવાર લગ્ન પણ ના કર્યા. દીકરાનું ધ્યાન રાખવું એ એક જ એમના જીવનનું લક્ષ્ય છે, મરતી પત્નીને વચન આપેલું ! તારા ઉપર પણ એમને અપાર વહાલ છે. તું એમની રોકટોકથી અકળાઈ જાય છે એની એમને ખબર છે છતાં તારા ઉપર જરીકે ગુસ્સે થયા વગર તને સતત માર્ગદર્શન આપતા રહે છે જેથી તું અને કિશન સારી રીતે, સુખેથી જીવો ! આજે તને રડતી જોઈ ને એમનાથી ના રહેવાયું. એમણે જાતે આવીને મને કહ્યું કે હું તારી સાથે વાત કરું. તને એમના લીધે તકલીફ હોય તો કહી દે એ કોઈ બહાનું કરીને ગામડે રહેવા જતા રહેશે. કિશનને આ વાત ક્યારેય નહિ જણાવતી. એમના મતે એમનો દીકરો ખૂબ લાગણીશીલ છે એને જરાય દુઃખ ના પડવું જોઈએ.

સુહાની શું બોલે. એ ચૂપ હતી. સસરાની ટક ટક એને પરેશાન જરૂર કરતી હતી પણ એનો એવો મતલબ હરગિજ ન હતો કે એ ઘર છોડીને ગામડે ચાલી જાય. સુહાની ઊભી થઈ અને ધીરે પગલે અંદર ગઈ.

શૈલેષભાઈ સોફામાં બેઠા કપડાંની ગડી કરી રહ્યા હતા. બીજો કોઈ દિવસ હોત તો સુહાનીને આ જોઈને અણગમો થયો હોત. એ પોતે ના કરી લેત, શી જરૂર છે એના સસરાને આવા બૈરાના કામ કરવાની ! પણ, આજે એ એવું ના વિચારી શકી.

“ પપ્પા...મારે તમને કંઇક કહેવું છે !" સુહાની ધીરેથી બોલી.

“ બોલ ને દીકરા !” શૈલેષભાઈએ સામેના સોફા પરથી ગડી કરેલ કપડાં ઉઠાવી સુહાનીને બેસવાની જગા કરી આપી.

સુહાની ત્યાં બેઠી. થોડીવાર ચૂપ રહી. શૈલેષભાઈના કાન એ શું કહે છે એ સાંભળવા આતુર થઈ રહ્યા.

“ પપ્પા, હું મમ્મી બનવાની છું. તમે દાદા ! મને ત્રીજો મહિનો જાય છે. હું મુંઝાતી હતી કે આ વાત કોને કહું કિશનને આ વાત કરતા પહેલા પાકી ખાતરી કરી લેવા માંગુ છું. મારે ડૉક્ટરને બતાવવા જવું છે....તમે મારી સાથે આવશો ? એકલા જતા મને ડર લાગે છે, તમે આવશોને મારી સાથે ?” સુહાની રડમસ અવાજે બોલી હતી.

“ ચોક્કસ દીકરા ! જરૂર આવીશ. આ ખબર આપીને તો તમે મને ફરી યુવાન બનાવી દિધો. જશોદા તું દાદી બનવાની અને હું દાદા ! હું મારા વ્યાજને સંભાળીશ તમે કિશનને સંભાળજો અને જો કહી દવ છું આજથી તમારા રસોડામાં આંટાફેરા બંધ. હું જેમ કહું એમ જ તમારે કરવું પડશે. ” શાૈૈૈલેષભાઈની આંખોમાં આંસુ હતા અંને હોઠો પર સ્મિત..

“ જી પપ્પા ! ”

સસરા વહુ બંનેની આંખો વરસી પડી. સુધામાસી હળવેથી એમના ઘરે પાછા જતા રહ્યા આંખો તો એમની પણ ભીંજાયેલી હતી....
©Niyati Kapadia.