એરપોર્ટ પર એક મહિલાએ તેની ફ્લાઇટની રાહ જોતી વખતે સમય પસાર કરવા એક પુસ્તક અને કૂકીઝ ના પેકની ખરીદી કરી.
વેઈટીગ લોન્જમાં એક સોફા પર બેસીને તે પુસ્તક વાંચનમાં મશગૂલ થઈ ગઈ.
અચાનક તેનું ધ્યાન ગયું તો જોયું કે એક માણસ તેની બાજુમાં બેસીને બંને વચ્ચે ની જગ્યામાં રાખેલા પેકમાં થી કૂકીઝ ખાઈ રહ્યો હતો.
આ દ્રશ્ય જોઈ ને તેને જરા અજુગતું લાગ્યું.
પરંતુ તેણે તે પુરુષ ની અવગણના કરી અને પેકમાં થી કૂકીઝ લઈને ખાવાની સાથે સાથે વાંચવાનું ચાલુ રાખ્યું.
જેમ જેમ વધુ મિનિટો પસાર થતી ગઈ તેમ તેમ પેકમાં થી કૂકીઝ ઓછા થતા ગયા.
મહિલાને હવે ચીડ ચઢી કારણકે તે જ્યારે પેકમાં થી એક કૂકી ઉઠાવી ને ખાતી હતી ત્યારે પેલો માણસ પણ એક કૂકી લેતો હતો.
પેકમાં હવે છેલ્લી એક જ કૂકી બાકી રહી.
તે સ્ત્રી એ વિચાર્યું કે હવે પેલો માણસ શું કરશે..
નર્વસ થઈને હસતાં હસતાં એ માણસે છેલ્લી કૂકી લીધી અને તેને અડધી તોડી નાખી. અડધો ભાગ તેણે મોંમાં મૂક્યો અને બાકીનો અડધો ભાગ મહિલાને ઓફર કર્યો.
મહિલાએ તેની પાસેથી કૂકી લગભગ છીનવી લીધી . તેણે મનમાં વિચાર્યું કે આ માણસ કેટલો અસભ્ય અને અસંસ્કારી છે.
જ્યારે તેની ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે મહિલાએ રાહતનો શ્વાસ લીધો.
તેણીએ પોતાનો સામાન એકઠો કર્યો, તે માણસ તરફ જોયું પણ નહિ અને ફ્લાઈટ તરફ આગળ વધી ગઈ.
ફ્લાઈટ માં પોતાની સીટ પર બેસી તેણે પોતાની હેન્ડબેગમાં પુસ્તક શોધવા જોયું તો તેના આશ્ચર્ય વચ્ચે કૂકીઝ નું પેક દેખાયું !
ત્યારે છેક તેને ખ્યાલ આવ્યો કે તે જે પેકમાં થી કૂકીઝ ખાઈ રહી હતી તે તો પેલા માણસનું હતું.
ખરેખર તો તેણે પોતે જ અસભ્ય વર્તન કર્યું હતું. પેલા માણસે તો તેની સાથે બહુ શાલીનતાથી વર્તન કર્યું હતું અને તેને કૂકીઝ ઓફર કરી હતી.!
તે માણસ વિશે ખોટી માન્યતા ધરાવવા બદલ તેને પોતાની જાત પર ખૂબજ શરમ આવી અને ક્ષોભ થયો. પણ તેની માફી માંગવા માટે તો ઘણું મોડું થઈ ગયું હતું.
__
'ધ કૂકીઝ થીફ' એક પ્રેરણાદાયક વાર્તા છે. જીવનનો એક મૂલ્યવાન પાઠ છે . આપણે ઉતાવળે કોઈ ધારણાઓ ન બાંધવી જોઈએ. બધું જ આપણા પ્રક્ષેપણ પર આધારિત છે.
જ્યારે આપણે વસ્તુસ્થિતિને જોવાની રીત બદલીએ છીએ ત્યારે તે કંઈક જુદું જ ભાસે છે. તેથી, ખુલ્લા મનના બનવાનું શીખવું , આપણા કઠોર નિર્ણાયક સ્વભાવને ત્યજી દેવો. તે આપણને આપણા જીવનમાં પરિવર્તન લાવવામાં અને અન્ય લોકો સાથે વધુ સારી રીતે જોડાવામાં મદદ કરશે.
(વેલેરી કોક્ષની અંગ્રેજી વાર્તારુપી કવિતા 'ધ કૂકીઝ થીફ' નો ભાવાનુવાદ.)
No comments:
Post a Comment