Showing posts with label POEMS. Show all posts
Showing posts with label POEMS. Show all posts

Friday, April 6, 2018

માઈક મળે તો કોઈ છોડે ?

પરસેવો બીચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?

નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં
કંટાળો જાણે કે આખ્ખું કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

છેલ્લી બે વાત, એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

         – કૃષ્ણ દવે

Wednesday, January 31, 2018

હું શિક્ષક છું

મને ખાલી પુસ્તકીયો ભાર ન આપો, હું શિક્ષક છું.
મને માનવ ધર્મ નો સાર ન આપો, હું શિક્ષક છું.

મારે સાંકળ નહી ઝાકળ ઝીલવાની હોય છે,
આંખે મારી સરોવર બંધિયાર ન આપો, હું શિક્ષક છું.

મારે તો ચાંદ સુરજ ઉગાડવા છે વર્ગખંડમાં,
સાવ મને મશિનનો આકાર ન આપો, હું શિક્ષક છું.

હું મથુ છુ ચોમાસું જીવતું કરવા રોજેરોજ,
મને સુકકા રણ જેવી કટાર ન આપો, હું શિક્ષક છું.

હું તો શાળાના વૃક્ષનું પતંગિયું છુ ભલા આમ,
લડવા હવા સાથે મને કટાર ન આપો, હું શિક્ષક છું.

હથેળીમાં મે હુંફ સાચવી છે લાગણીની,
તમે મારી હસ્તિને અંગાર ન આપો, હું શિક્ષક છું.

આખો હિમાલય ખળભળે છે મારી ભીતર,
મને ખળખળ કોઈની ઉધાર ન આપો, હું શિક્ષક છું.

મારી ડાળે ડાળમાં ફુટે છે આનંદની ટશરો,
મને ઉદાસી ભરેલી કોઈ સવાર ન આપો, હું શિક્ષક છું.

હું નથી મ્હોતાજ કોઈ અવોર્ડ કે પ્રમાણપત્રોનો,
ખોટો સાવ નાટકીયો પ્યાર ન આપો, હું શિક્ષક છું.

હું ફુલ છું નાજુક ભણતરનુ, ભણાવવા દ્યો,
કરમાઈ જાવ એવા કામ હજાર ન આપો, હું શિક્ષક છું.

શાળા, બાળક, શબ્દો ને પ્રેમ ચાર ધામ છે મારા,
મને કાશી, મથુરા કે હરિદ્વાર ન આપો, હું શિક્ષક છુ.

Wednesday, January 24, 2018

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે...

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે... ડૉ. નિમિત્ત ઓઝા

થોડા સિક્રેટ્સ
શેર કરવા છે,
થોડી
કબૂલાતો કરવી છે,
એમણે આપેલી જિંદગીના બદલામાં,
એમને એક સાંજ ધરવી છે.

બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો,
એ જ હાથને
વ્હાલ કરવું છે,
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...

કોલેજમાં ગમતી છોકરીથી લઈને,
એમની જાણબહાર પીધેલી સિગરેટનું,
કેટલું વજન લાગતું હોય છે યાર,
એક નહિ કીધેલા સિક્રેટનું.

કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને,
પપ્પાને એક ગુલાબ આપવું છે.
આટલું વિશાળ હ્રદય સાચવીને,
ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે.

એમણે મમ્મીને પ્રેમ કર્યો છે,
એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવું છે.
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે....

થોડો ટાઈમ કાઢીને મારે,
એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.

અજવાળામાં જઈને,
એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે...

કાયમ સાથે રહેવા માટે,
ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે.

ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર,
મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે.

હાથ પકડીને,
આંખોમાં આંખો નાખીને
એકવાર
‘આઈ લવ યુ’ કહેવું છે,

એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...!!