Monday, January 29, 2018

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો....

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે.

એકવાર કૃષ્ણ, બલરામ અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાનો મોટો યોદ્ધો હતો.)
જંગલમાં ફરવા માટે ગયા.
સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા.
કૃષ્ણએ કહ્યું,
“આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું.
રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ.
એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”

પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો.
એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો. સાત્યકિએ એની સાથે લડાઈ શરૂ કરી.
સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઈટ આપતો હતો.
આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે.
એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય
અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય.

સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા.
હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી
પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું.
બલરામને પણ વાગે એટલે દર્દની
ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય.
એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.

કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં
નવી વ્યૂહરચના અપનાવી. પોતને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે.

આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ

અને છેલ્લે...

જીંદગી ક્યાં સહેલી છે,
એને સહેલી બનાવવી પડે છે.
કંઈક આપણા અંદાજ થી,
તો કંઈક નજરઅદાંજ થી

Wednesday, January 24, 2018

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે...

એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે... ડૉ. નિમિત્ત ઓઝા

થોડા સિક્રેટ્સ
શેર કરવા છે,
થોડી
કબૂલાતો કરવી છે,
એમણે આપેલી જિંદગીના બદલામાં,
એમને એક સાંજ ધરવી છે.

બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો,
એ જ હાથને
વ્હાલ કરવું છે,
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...

કોલેજમાં ગમતી છોકરીથી લઈને,
એમની જાણબહાર પીધેલી સિગરેટનું,
કેટલું વજન લાગતું હોય છે યાર,
એક નહિ કીધેલા સિક્રેટનું.

કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને,
પપ્પાને એક ગુલાબ આપવું છે.
આટલું વિશાળ હ્રદય સાચવીને,
ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે.

એમણે મમ્મીને પ્રેમ કર્યો છે,
એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવું છે.
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે....

થોડો ટાઈમ કાઢીને મારે,
એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.

અજવાળામાં જઈને,
એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે...

કાયમ સાથે રહેવા માટે,
ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે.

ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર,
મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે.

હાથ પકડીને,
આંખોમાં આંખો નાખીને
એકવાર
‘આઈ લવ યુ’ કહેવું છે,

એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે...!!

Saturday, January 20, 2018

ચિત્રકુટ એવોર્ડ-૨૦૧૮

મહુવા તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી તલગાજરડા કેન્દ્રવતી શાળામાં ચિત્રકુટ એવોર્ડ-૨૦૧૮નું આયોજન થયું હતુ. જેમાં આપન લોકલાડીલા શિક્ષણમંત્રી માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષ રહ્યા હતા.

               ભાવનગર જિલ્લાના મહુવા ખાતે શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક વિજેતા અંગેનો કાર્યક્રમ રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો. આવા સન્માનિય અને સુંદર કાર્યક્રમમાં ગુજરાત રાજયમાંથી ૧૧ શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિક ઇનામ વિજેતા રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં તથા પુજય મોરારી બાપુ અને સીતારામ બાપુની ઉપસ્થિતીમાં સન્માન કરવામાં આવ્યુ હતું.               મહુવા ખાતેના શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક વિજેતા અંગેના કાર્યક્રમ દરમ્યાન રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યુ હતું કે, મારા પરિવારના નિવૃત થતા શિક્ષકોનું નિવૃતિ બાદ સૌનું સ્વાસ્થય સારૂ રહે એવી પ્રાથના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હતી. આજના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કાર્યક્રમએ વર્ષ ૨૦૧૮નો પ્રાથમિક શિક્ષકો માટે આજનો દિવસ ખુબ જ ગૌરવ દિવસ છે. વઘુમાં શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, મારા પરિવારના શિક્ષકો માટે સરકારશ્રીની મર્યાદામાં રહીને જે કાંઇ થતું હશે તે કરવા હું સૌ મારા શિક્ષક ભાઇઓને ખાત્રી આપુ છું.
             શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કાર્યક્રમમાં બોલતા પુજય મોરારીબાપુએ જણાવ્યુ હતું કે, હું જયારે શિક્ષક હતો ત્યારથી આજદિન સુઘી બોલતો જ રહયો છું. અને સતસંગ મારો ચાલુ જ હોય છે. મારામાં મારાપણું, આપણામાં આપણાપણું, રાષ્ટ્રમાં રાષ્ટ્રપણું અને શિક્ષકમાં શિક્ષણપણું જો હોયતો શુ ન થઇ શકે. મોરારીબાપુએ ચિત્રકૂટ એવોર્ડની રકમ રૂપિયા ૨૧ હજાર થી વધારીને રૂપિયા ૨૫ હજાર કરવાની આ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી જેને સૌ ઉપસ્થિત મહાનુભાવો તથા પ્રજાજનો અને શિક્ષકગણે વઘાવી લીઘી હતી.
          પુજય સીતારામ બાપુએ આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સૌ શ્રેષ્ઠ શિક્ષક ભાઇઓને ખુબ જ અભિનંદન સાથે આશીષ વચન આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન શ્રી ગજેન્દ્રસિંહ મહામંત્રી ભાવનગર જિ. સંઘ, ગણપતભાઇ પરમાર પ્રમુખ મહુવા તાલુકા સંઘ, અનંતરાય દિવાકર મહામંત્રી મહુવા તા.સંઘ, ભરતભાઇ પંડયા ઉપપ્રમુખ મહુવા તા.સંઘ અને સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ભરતભાઇ પંડયા દ્વારા કરવામાં આવ્યુ હતું.
           શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકુટ પારિતોષિક વિજેતા કાર્યક્રમમાં પુ. મોરારીબાપુ, સીતારામબાપુ તથા મહુવા પ્રાંત અઘિકારી ભાવનગર જિલ્લા શિક્ષણાઘિકારીશ્રી પ્રજાપતિ તથા ગાંઘીનગર થી પધારેલ અઘિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Saturday, December 2, 2017

Doctor

રાતના 1 વાગ્યા હતા. મોબાઈલમાં રિંગ વાગી રહી હતી. દીપેનની આંખ ખુલી મોબાઇલની સ્ક્રીનમાં જોયું જેમાં લખેલ હતું 'હોસ્પિટલ.' બેડરૂમમાં પતિ પત્ની બે જ સુતા હતા. ફોનની રિંગ વાગતા વૈશાલી જાગી ગઈ હતી. બેડની બાજુમાં જ પડેલ ચપ્પલ પહેરીને તરત જ તૈયાર થઈને દીપેને બાઈકની ચાવી ટેબલ પરથી લીધી. દરવાજો ખોલતા ખોલતા દીપેને વૈશાલી ને કહ્યું,
"વૈશાલી emergency છે, હું હોસ્પિટલે જાઉં છું."
"હમ્મ" અડધી જાગેલ અને અડધી સુતેલ અવસ્થામાં વૈશાલી એ કહ્યું.

દીપેન હોસ્પિટલમાં કામ કરતા. પોતાના વ્યવસાયને જ ભગવાન માનવા વાળા માણસોમાં ના એક હતા આપણા દીપેનભાઈ. સોરી ડૉ. દીપેનભાઈ પનારા (મીન્સ આપણી સ્ટોરીના હીરો). રાત્રે મોડે ફોન આવવું, દીપેનનું ચાલ્યું જવું આ એક વાર નહોતું બન્યું. શરૂઆતમાં વૈશાલી એ વિરોધ પણ કર્યો હતો પણ હવે તો એ પણ જાણી ગઈ હતી કે દીપેન પોતાના દર્દીઓને ફેમીલી મેમ્બર્સ જ ગણે છે. એકવાર તો બંનેની મેરેજ એનિવર્સરીના દિવસે જ દીપેન કેક કાપીને હોસ્પિટલે ચાલ્યો ગયો હતો.
આવા ઉપરાઉપરી બે ત્રણ બનાવો બને ત્યારે વૈશાલી કહી દેતી, "દીપેન, ક્યારેક ક્યારેક કુટુંબમાં પણ ધ્યાન દેવું જોઈએ અમે પણ ફેમીલી છીએ."
“શુ કરું વૈશાલી, ડોક્ટરનું કામ જ એવું હોય છે” દીપેન પોતાના બચાવમાં આવું કહેતો .

વૈશાલીને બધું મળતું. સુખ સગવડતા ભર્યું જીવન, ગાડી , સુવિધાજનક ઘર, બધું પણ દીપેનનો સાથ એને ખલતો. એકલું રહેવાની જાણે કે તેને આદત પડી ગઈ હોય એવુંજ સમજી લો.

સમય એક પંખીની જેમ આમજ ઉડતો ચાલ્યો જતો હતો. વૈશાલી પ્રેગ્નેન્ટ થઈ. દીપેન ખુબજ કાળજી રાખતા. તે દિવસે બધા પરિવારના સભ્યો ઓપરેશનના દિવસે લેબર હોસ્પિટલમાં હતા. દીકરાના જન્મ વખતની પીડા વૈશાલીથી સહન નહોતી થતી. દીપેન તેની બાજુમાં જ હતો. પણ દીકરાનો જન્મ થતા જ તેના ફોનની રિંગ વાગી અને તેને જવું પડ્યું.
"વૈશાલી, એક બહેન અત્યંત દાજી ગયા છે, મારે જવું પડશે" આમ કહીને દીપેન ચાલ્યો ગયો.

દીકરાના જન્મની કિલકારીઓથી પૂરેપૂરું હોસ્પિટલ ગુંજી ઉઠ્યું હતું. બધા બહુ ખુશ હતા. પણ વૈશાલી ની આંખો ગોતી રહી હતી દીપેનને. કેટલો ખુશીનો પ્રસંગ અને એને એના હોસ્પિટલની અને દર્દીઓની પડી છે.

દીકરાના નામકરણ વખતે થોડો સમય હાજર રહીને દીપેન ત્યારે પણ હોસ્પિટલ ચાલ્યો ગયેલો. તેનું નામ તનુષ રાખેલ. વૈશાલી પૂરો સમય દીકરાની સાળ સંભાળમાં જ વિતાવવા લાગી. એક દિવસ અચાનક દીપેન કામથી વહેલો આવીને કહે છે વૈશાલી આજે હું મારા હોસ્પિટલનો સામાન્ય ડોક્ટરમાંથી મેડિકલ ઓફિસર બની ચુક્યો છું. તનુષને મમ્મીને ત્યાં મૂકીને આપણે આજે બહાર ડિનર કરશું...ચાલ તૈયાર થઈ જા...જલ્દી...

વૈશાલી તૈયાર થઈ બંને એક હોટલના એક ખૂણામાં બેઠા હતા. આ લગભગ 8 કે 7 મહિને તે બહાર જમવા આવ્યા હશે. દીપેન ઓર્ડર આપીને વૈશાલી સમક્ષ જોઈ રહ્યો હતો પણ વૈશાલી નું ઉતરેલું મો જોઈને તેણે પૂછ્યું, "શુ થયું વૈશાલી, બધું બરાબર છે ને?"

"કશું બરાબર નથી. હું હવે તારી સાથે રહી શકું એમ નથી." વૈશાલી એ કહ્યું.

"પણ"

દીપેનની વાત અધવચ્ચે જ કાપીને વૈશાલી એ કહ્યું, "આજે આ કેટલા સમયે આપણે સાથે જમી રહ્યા છીએ. આપણે એક ઘરમાં રહીએ છુએ પણ એક સાથે નથી. મને એવું લાગે છે કે હવે તમને તમારા કામ સાથે જ મારે એકલા મૂકી દેવા જોઈએ જેથી કોઈ તમને ડિસ્ટર્બ ના કરે"

ડઘાયેલી આંખોથી દીપેન વૈશાલી ને જોઈ જ રહ્યો. બંને અલગ થયા. દીપેનનું મન કામને બદલે વિષાદથી જ ઘેરાવા લાગ્યું. જોતા તો તે નોર્મલ જીંદગી જીવતો હોય એવું લાગતું પણ તેની અંદર તેને વૈશાલી ની ખામી સાલતી હોય એવું લાગતું.

એક સાંજે તે મોડી રાત સુધી સૂતો જ નહીં. એક પુસ્તક વાંચતા વાંચતા તેને નીંદર આવી ગયેલ. અચાનક રાતમાં 2 વાગ્યે રિંગ વાગી. વૈશાલી નો ફોન હતો. દીપેને તરત જ ઉઠાવ્યો. પોતે કઈંક બોલે તે પહેલાં જ વૈશાલી ના રડતા આવજે તેની નીંદર ઉડાડી નાખી હતી.

"દીપેન....તમે જલ્દી અહીં વિસાવદર સરકારી દવાખાને આવી જાવ...તનુષને પેટમાં જોરદાર દુખાવો ઉપડી ગયો છે અને આ કમ્પાઉન્ડર કહે છે કે ડૉક્ટર સવાર સિવાય નહીં આવે. હું શું કરું કશું સમજાતું જ નથી."

"વૈશાલી તું ફિકર ના કર મારા એક મિત્ર છે ત્યાં દવાખાના માં હું ફોન કરું જ છું એને અને ચિંતા ના કર હું નીકળું જ છું." દીપેને કહ્યું.

દીપેન 2 કલાક પછી દવાખાને પહોંચ્યા તે પહેલાં દીપેનના મિત્રએ ઓપરેશન શરૂ કરી દીધું હતું. તનુષને નાનું એપેન્ડિક્સ નીકળ્યું હતું. બધું કંટ્રોલમાં જ હતું.

દીપેન ને જોઈને વૈશાલી દોડી અને તેને ગળે મળીને બસ ચોધાર આંસુએ રડવા જ માંડી.
"કદાચ આજે બીજું કોઇક હોત અને મેં પણ એની જેમ વિરોધ કર્યો હોત તો આપણાં છોકરાનું શુ થાત દીપેન. આજે આ ડૉક્ટર જે આવ્યા એની પત્ની મારા જેવી હોત અને જો ના આવવા દીધા હોત તો મારા દીકરાનું શુ થાત.

હું તમારું કામ ક્યારેય ના સમજી શકી...મારી આ ભૂલ માફીને પણ લાયક નથી. દર્દીઓ પણ કોઈકના સંબંધી હોય છે, કોઈકના સ્નેહીઓ હોય છે એ વાત મારા મગજમાં કેમ ના આવી.
સોરી...
મને માફ કરી દેજો plz plz plz.

દીપેન બસ વૈશાલીના આંસુઓને લૂછતાં જ રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર ક્યારે એના આંખને વૈશાળીના નિખાલસ શબ્દો ભીંજવી ચુક્યા હતા.

આ વાર્તા આવા દરેક ડોક્ટરોને સમર્પિત જે આપણી રેગ્યુલર લાઈફને રેગ્યુલર રાખે છે.આ વાર્તા દરેક ડોક્ટરના જીવનની વાસ્તવિકતા છે. ડૉક્ટરની મોંઘી ગાડી, બંગલા, જીવનશૈલી, મળતું માં મરતબો આ બધું આપણને દેખાય છે પણ જે શૂળીઓ પાર એ ચાલતા હોય છે એ આપણા સહુ કોઈથી અજાણ હોય છે.

એટલે જ કહે છે ને કે,
"જો સાઝ સે નીકળી હૈ વો તો સબ ને સુની હૈ,
પર જો સાઝ પાર બીતી હૈ વો કિસ દિલ કો પતા હૈ."
Dedicated to All Doctors

Friday, December 1, 2017

ઘંટ વગાડવાવાળો માણસ

એક મંદિર હતું.

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,
પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો...

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી...

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં *કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.*

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે 'તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.'

પેલાએ કહ્યું, "સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!"

ટ્રસ્ટી કહે, "સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં..."

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી.

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે 'તમે મંદિરમાં આવો.'

એ ભાઈએ જવાબ આપ્યો, "હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં."

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે 'મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું. અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે..."

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ.

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરુર હતી.

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ...

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, "સાહેબ સહીં તો બાકી છે."

માલિક કહે, "મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે..."

*આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, "સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત...!!!"*

તો પેલા શેઠે હસીને કહ્યું,
*"ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત."*

*સારાંશ:*
કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી *લાયકાત* તમારી *ભાવનાઓ*થી જ નક્કી થાય છે. ભાવનાઓ *શુદ્ધ* હશેને, તો *ઇશ્વર* અને *સુંદર ભવિષ્ય* ચોક્કસ તમારો સાથ આપશે.

Friday, October 2, 2015

મોહનદાસ કરમચંદ ગાંધી : સુવર્ણ અવસરો...

મોહનદાસ કરમચંદ ગાંધી : સુવર્ણ અવસરો...
સંવત ૧૯૨૫ ભાદરવા વદ ૧૨, ૨ ઓકટોબર .૧૮૬૯ના પોરબંદરમાં જન્‍મ.


      ૧૮૬૯-૭૫ :    પોરબંદરમાં બાળપણ વિતાવ્‍યું
      ૧૮૭૬     :    પિતાજી સાથે શિક્ષણ માટે રાજકોટ ગયા.
      ૧૮૮૨     :    પોરબંદરમાં કસ્‍તુરબા સાથે લગ્ન.
      ૧૮૮૫     :    પિતાજીનો દેહાંત, રાજકોટમાં અભ્‍યાસ ચાલુ
      ૧૮૮૭     :    મેટ્રીક પરીક્ષા પાસ, શામળદાસ કોલેજ ભાવનગરમાં દાખલ થયા
      ૧૮૮૮     :    બેરીસ્‍ટર થવા વિલાયત ગયા
      ૧૮૮૯     :    લંડનમાં અભ્‍યાસ ચાલુ
      ૧૮૯૦     :    લંડનમાં મેટ્રીક પરીક્ષા પાસ કરી.
      ૧૮૯૧     :    બેરીસ્‍ટર બની સ્‍વદેશ પરત.
      ૧૮૯૨     :    રાજકોટ તથા મુંબઈમાં વકીલાત.
      ૧૮૯૩     :    દક્ષિણ આફ્રિકામાં વકીલાત માટે ગયા.
      ૧૮૯૪     :    નાતાલ હિન્‍દી મહાસભાની સ્‍થાપના
      ૧૮૯૫     :    નાતાલ સુપ્રિમ કોર્ટના એડવોકેટ બન્‍યા.
      ૧૮૯૬     :    ભારત પરત આવ્‍યા. ગોખલેજી - તિલકની મુલાકાત
      ૧૮૯૭     :    ડરબનમાં ગોરાઓના હુમલામાંથી પાર ઉતર્યા.
      ૧૮૯૯     :    બોઅર યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરી. બ્રિટિશ સરકારે ચંદ્રક પ્રદાન કર્યુ.
      ૧૯૦૧     :    ભારત પરત આવ્‍યા સેવાકાર્યમાં જોડાયા. રાજકોટમાં પ્‍લેગ નિવારણ સમિતિ બનાવી. કલકત્તામાં મહાસભામાં         સ્‍વયંસેવક, કારકૂન - પટ્ટાવાળાના કાર્યો કર્યા.
      ૧૯૦૨     :    બર્માયાત્રા - મુંબઈમાં ઓફીસ ખોલી. ટ્રેઈનમાં ત્રીજા વર્ગમાં ભ્રમણ કર્યુ. દક્ષિણ આફ્રિકા ગયા.
      ૧૯૦૩     :    ટ્રાન્‍સવાલ બ્રિટીશ ઈન્‍ડિયા એસોસીએશનની સ્‍થાપના.
      ૧૯૦૪     :    ફિનિકસ આશ્રમની સ્‍થાપના - ગીતાનું અધ્‍યયન. રસ્‍કિનનું ‘અન ટુ ધીમ લાસ્‍ટ' પુસ્‍તક વાંચી જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન.
      ૧૯૦૫     :    ‘‘ઈન્‍ડિયન ઓપિનિયન'' સામયિક પ્રકાશનનો પ્રારંભ
      ૧૯૦૬     :    ઝુલુ વિપ્‍લવ ઘાયલોની સેવા. બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા - સત્‍યાગ્રહ શબ્‍દનો ઉપયોગ. સત્‍યાગ્રહનો      જન્‍મ ટ્રાન્‍સવાલ આફ્રિકામાં.
      ૧૯૦૭     :    ખુની કાયદા સામે સત્‍યાગ્રહ. વરસની લાખેકની કમાણી છોડી. બચેલી રકમ દાનમાં આપી. આશ્રમી જીવન સ્‍વીકાર્યુ.
      ૧૯૦૮     :    પઠાણોએ હુમલો કર્યો. કોંગ્રેસમાં જોડાયા. કાયદા ભંગ માટે પ્રથમવાર સજા.
      ૧૯૦૯     :    લિયો ટોલ્‍સ્‍ટોયને પ્રથમ પત્ર. ઈંગ્‍લેન્‍ડથી પરત ફરતા જહાજમાં ‘હિન્‍દ સ્‍વરાજ' પુસ્‍તક લખ્‍યું.
      ૧૯૧૦     :    જોહનિસબર્ગમાં ટોલ્‍સટોય ફોર્મની સ્‍થાપના.
      ૧૯૧૧     :    વકીલાત છોડી.
      ૧૯૧૨     :    નીતિધર્મ અને આરોગ્‍ય વિષયક પુસ્‍તકો પ્રકાશિત કર્યા.
      ૧૯૧૩     :    સત્‍યાગ્રહનો આરંભ, પકડાયા, છોડયા, ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૧૪     :    ૧૪ દિવસના ઉપવાસ - સત્‍યાગ્રહ સફળ, ઈંગ્‍લેન્‍ડ ગયા. ૪ ઓગષ્‍ટ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત, યુદ્ધમાં સેવાકાર્ય. સરોજીની નાયડુ સાથે         પરિચય.
      ૧૯૧૫     :    સ્‍વદેશગમન કેસરે હિન્‍દનો ઈલ્‍કાબ મળ્‍યો. કોચરબ આશ્રમની સ્‍થાપના. જેતપુર ગોંડલમાં ‘મહાત્‍મા' નું બિરૂદ, માનપત્ર મળ્‍યુ. ભારત ભ્રમણ, કાકા કાલેલકર, આચાર્ય કૃપલાની, મહાદેવભાઈ દેસાઈ સાથે પ્રથમ પરિચય ગોખલેજીનું અવસાન. ભારે દુઃખ.
      ૧૯૧૬     :    લખનૌ કોંગ્રેસમાં જવાહરલાલજીનો પરિચય. કાશી વિશ્વ વિદ્યાલયની સ્‍થાપના એ સમયનું સુપ્રસિદ્ધ વ્‍યાખ્‍યાન આપ્‍યું. સભામાં ખળભળાટ  સભાના પ્રમુખ ગર્વનર જનરલ હતા. એનીબેસન્‍ટ બીજા અનેક નેતાઅ વચ્‍ચેથી સભા છોડી ચાલ્‍યા ગયા.
      ૧૯૧૭     :    રાજેન્‍દ્રપ્રસાદનું પ્રથમ મિલન, ૧૯ એપ્રિલ ચંપારણ સત્‍યાગ્રહ. ૩૧ મે ગીરમીટીયા કાનુન રદ. ૩૦ જૂન દાદાસાહેબ નવરોજીનું દેહાવસાનમહાદેવભાઈ દેસાઈનું ગાંધીજીને જીવન સમર્પણ. ૩ નવેમ્‍બર ગોધરામાં  પહેલી ગુજરાતી રાજકીય પરિષદ. માતૃભાષા દ્વારા શિક્ષણ ઉપર ભાર.
      ૧૯૧૮     :    અમદાવાદમાં મિલ મજૂર હડતાલ-૩ દિવસનાં ઉપવાસ. રેંટીયાનો પુનરૂદ્ધાર. પ્રથમ પંકિતના નેતાઓમાં સ્‍થાન.
      ૧૯૧૯     :    રોલેટ એકટ કાનુન, ૬ એપ્રિલ કાળા કાયદા સામે ઉપવાસ. ‘યંગ ઈન્‍ડિયા', ‘નવજીવન' ના સંપાદનનો પ્રારંભ. મહાદેવ દેસાઈને પોતાના ‘વારસ' કહ્યા, અમૃતસરમાં કોંગ્રેસ ભરાઈ. ૧૩ એપ્રિલે જલીયાવાલા બાગ કાંડ આ બાગમાંથી ૧૦ થી ૨૦ હજાર માણસો ભેગા થયા. બાગમાંથી નીકળવાના બે જ માર્ગ હતા. ટોળાને વિખેરાઈ જવાની કશી ચેતવણી આપ્‍યા વિના બ્રિગેડીયર જનરલ ડાયરે હુકમ કર્યો. ૯૦ સૈનિકોએ બહાર નીકળવાના રસ્‍તા બંધ કરી દીધા. આ હત્‍યાકાંડમાં ૧૬૫ ગોળીબાર થયા, ૩૭૯ મર્યા, ૧૧૩૭ ઘાયલ થયા, ગાંધીજીને આઘાત લાગ્‍યો.
      ૧૯૨૦     :    ૧ ઓગષ્‍ટ તિલક મહારાજનું અવસાન. ગાંધીજીએ તૈયાર કરેલ કોંગ્રેસનું બંધારણ માન્‍ય. અસહકારના આંદોલનની શરૂઆત. ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના. ગાંધીજીને પોતાની આત્‍મકથા ‘સત્‍યના પ્રયોગો' લખી.
      ૧૯૨૧     :    રાષ્‍ટ્રીય વિદ્યાપીઠોની સ્‍થાપના. ‘પ્રિન્‍સ ઓફ વેલ્‍સ' ના આગમનના બહિષ્‍કાર પર તોફાનો થતા અશાંત - પાંચ દિવસના ઉપવાસ. અમદાવાદમાં કોંગ્રેસ.
      ૧૯૨૨     :    ૫ ફેબ્રુઆરી ચૌરાચોરી કાંડ થયો. સત્‍યાગ્રહ આંદોલન સ્‍થગિત પાંચ દિવસના ઉપવાસ. ૧૦ માર્ચે ધરપકઙ
      ૧૯૨૩     :    રોમારોલા દ્વારા મીરાબેન (મિસ સ્‍લેડ) નો પરિચય.
      ૧૯૨૪     :    ૨૪ સપ્‍ટેમ્‍બરથી હિન્‍દુ - મુસ્‍લિમ એકતા માટે ૨૧ દિવસના ઉપવાસ. બેલગાંવ કોંગ્રેસના અધ્‍યક્ષ.
      ૧૯૨૫     :    ચરખા સંઘની સ્‍થાપના. ૬ જુન દેશબંધુદાસનું અવસાન, ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૨૬     :    સ્‍વામી શ્રદ્ધાનંદજીનું બલિદાન, તિલક સ્‍વરાજ ફંડ માટે એક કરોડ રૂપિયા એકઠા કરવાનો સફળ પ્રયોગ.
      ૧૯૨૭     :    ખાદી પ્રચાર પ્રવાસ - કાંતવુ એ અધ્‍યાત્‍મિક તાલીમ છે, ખાદી વિના આપણે હિન્‍દુનું અર્થતંત્ર પાછુ સજીવન કરી શકીશુ નહિં.
      ૧૯૨૮     :    સાયમન કમિશન - બારડોલી સત્‍યાગ્રહ - સાયમન પાછા જાઓ. ૨૨ એપ્રિલ મગનભાઈ ગાંધીનું અવસાન. ૨૭ નવેમ્‍બર લાલા લજપતરાયનું અવસાન.
      ૧૯૨૯     :    લાહોર કોંગ્રેસમાં પૂર્ણ સ્‍વાધિનતાનો પ્રસ્‍તાવ.
      ૧૯૩૦     :    ૨૬ જાન્‍યુઆરીએ સંપૂર્ણ સ્‍વાધિનતાની પ્રતિજ્ઞા. ૧૨ માર્ચ મીઠાનો કાયદો તોડવા માટે દાંડીકૂચ પ્રારંભ. ૫ એપ્રિલ દાંડીકૂચનો પ્રારંભ. ૬ એપ્રિલ મીઠાનો કાયદો ભંગ અને ધરપકઙ
      ૧૯૩૧     :    ૨૫ જાન્‍યુઆરી જેલ મુકિત. ૭ ફેબ્રુઆરી મોતીલાલ નહેરૂનું અવસાન. ૪ માર્ચ ગાંધી - ઈરવીન કરાર. ૨૪ માર્ચ વીર ભગતસિંહને ફાંસી. ૨૫ માર્ચ બીજી ગોળમેજી પરિષદમાં એક જ પ્રતિનિધિરૂપે સામેલ. ૨૫ ડિસેમ્‍બરમાં ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પરત.
      ૧૯૩૨     :    કોંગ્રેસને ગેરકાનુની ઘોષિત - સત્‍યાગ્રહનો આરંભ. નવજીવન ‘યંગ ઈન્‍ડિયા' બંધ. ૨૦ સપ્‍ટેમ્‍બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. ૨૫ સપ્‍ટેમ્‍બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. ૨૪ સપ્‍ટેમ્‍બર યરવડા કરાર. ૨૬ સપ્‍ટેમ્‍બર ઉપવાસ સમાપ્‍ત.
      ૧૯૩૩     :    ૮/૫ થી ૨૧/૫ ઉપવાસ - હરીજન (અંગ્રેજી) હરીજન બંધુ (ગુજરાતી), હરીજન સેવક (હિન્‍દી) સાપ્‍તાહિકો શરૂ કર્યા.           ધરપકડ મુકિત ફરી ધરપકડ - એક વરસની સજા. ૧૬ ઓગષ્‍ટ  આમરણાંત ઉપવાસ - ૨૩ ઓગષ્‍ટ મુકિત. ૨૦ સપ્‍ટેમ્‍બર એની     બેસન્‍ટનું અવસાન. ૨૨ સપ્‍ટેમ્‍બર વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન. ૧ ઓગષ્‍ટ સાયમન કમિશનનું વિસર્જન - વર્ધામાં રહેવાનો નિર્ણય.
      ૧૯૩૪     :    બિહાર ભૂકંપ - ૭ મે સત્‍યાગ્રહ સ્‍થગિત - ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૩૫     :    કોંગ્રેસની સુવર્ણ જયંતિ.
      ૧૯૩૬     :    સેવાગ્રામ આશ્રમની સ્‍થાપના. ૧૦ મે ડો. અન્‍સારીનો દેહાંત.
      ૧૯૩૭     :    નઈ તાલીમનો પ્રારંભ - જુલાઈમાં કોંગ્રેસ શાસન સંભાળ્‍યું.
      ૧૯૩૮     :    પેશાવર યાત્રા
      ૧૯૩૯     :    રાજકોટમાં આમરણાંત ઉપવાસ - વાઈસરોયનો હસ્‍તક્ષેપ. ૪ દિવસ બાદ સમાપ્‍ત. સુભાષબાબુનું કોંગ્રેસનાં અધ્‍યક્ષપદેથી રાજીનામુ. મૌલાના શૌકતઅલીનું અવસાન. ૩ સપ્‍ટેમ્‍બર વિશ્વયુદ્ધનો પ્રારંભ.
      ૧૯૪૦     :    વ્‍યકિતગત સત્‍યાગ્રહ. પ્રથમ સત્‍યાગ્રહી વિનોબા ભાવે. ‘હરિજન' પત્ર ઉપર પ્રતિબંધ.
      ૧૯૪૧     :    ૭ ઓગષ્‍ટ રવિન્‍દ્રનાથ ટાગોરનું અવસાન. કોંગ્રેસ નેતાગીરીની    મુકિત. ૩૦ સપ્‍ટેમ્‍બર ગૌસેવા સંઘની સ્‍થાપના.
      ૧૯૪૨     :    ગાંધીજીએ ફરી કોંગ્રેસની નેતાગીરી સંભાળી. ક્રિપ્‍સ મિશન. ૧૧ ફેબ્રુઆરી જમનાલાલ બજાજનું અવસાન. ૮ ઓગષ્‍ટ ‘ભારત છોડો' પ્રસ્‍તાવ. ૯ ઓગષ્‍ટ તમામ નેતાઓની ધરપકઙ ૧૫ ઓગષ્‍ટ મહાદેવભાઈ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.
      ૧૯૪૩     :    આગાખાન મહેલમાં ૨૧ ઉપવાસ.
      ૧૯૪૪     :    ૨૨ ફેબ્રુઆરી આગાખાન મહેલમાં કસ્‍તુરબાનું અવસાન. ૬ મે જેલમુકિત, ગાંધી-જીન્‍હા મિલન.
      ૧૯૪૫     :    નેતાઓની મુકિત - સિમલા કરાર.
      ૧૯૪૬     :    કેબીનેટ મિશન - સાંપ્રદાયિક તોફાનો - નોઆખલી યાત્રાનો પ્રારંભ. કોમી એકતા માટે બિહાર યાત્રા.
      ૧૯૪૭     :    ૧૫ ઓગષ્‍ટ દેશ આઝાદ - કલકત્તામાં ૭૩ કલાકના ઉપવાસ.
      ૧૯૪૮ :       દિલ્‍હીમાં શાંતિ. આમરણાંત ઉપવાસ - પાંચ દિવસ ચાલ્‍યા. ૩૦ જાન્‍યુઆરી શુક્રવાર સાંજના પાંચ કલાકે પ્રાર્થનાસભામાં (બિરલાભવન) જતાં વચ્‍ચે ગોડસેએ પગે લાગી બાપુ ઉપર ત્રણ ગોળી છોડી હત્‍યા કરી. ‘હે રામ' કહી કાયમી વિદાય લીધી. દેશ અને દુનિયામાં સોપો પડી ગયો. દિલ્‍હી રાજઘાટ ઉપર સમાધિ.